પાંચ જણની ભૂલને કારણે ભારત-શ્રીલંકાની ટાઇ બાદ સુપર ઓવર નહોતી અપાઈ
ચાર અમ્પાયર અને 920 મૅચના અનુભવી મૅચરેફરીએ કરેલું બ્લન્ડર ભારતને ભારે પડ્યું
કોલંબો: બીજી ઑગસ્ટે અહીં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી વન-ડે સિરીઝની પ્રથમ મૅચ અર્શદીપ સિંહની શૉકિંગ વિકેટ સાથે ટાઇમાં પરિણમી ત્યાર બાદ બધાએ વિચાર્યું હશે કે હવે સુપર ઓવર રમાશે અને ભારતને જીતવાનો મોકો મળશે. જોકે બન્યું કંઈક જૂદું જ. મેદાન પરના અમ્પાયરો, ટીવી અમ્પાયર, ફોર્થ અમ્પાયર તેમ જ મૅચ રેફરીના ધ્યાનમાં આઇસીસીના છ મહિના પહેલાં બદલાયેલો નિયમ ન આવ્યો અને મોટું બ્લન્ડર થઈ ગયું જેમાં સુપર ઓવર રખાઈ જ નહીં અને એ મૅચ રેકૉર્ડ બુકમાં ટાઇ તરીકે લખાઈ ગઈ.
ખરેખર તો આઇસીસીએ છ મહિના પહેલાં નિયમમાં (વન-ડે ઇન્ટરનૅશનલ્સ માટેની પ્લેઇંગ-કન્ડિશન્સમાં) ફેરફાર કર્યો હતો કે જો મૅચ ટાઇ થાય તો પરિણામ લાવવા માટે સુપર ઓવર રાખવી.
એક અહેવાલ મુજબ કોલંબોની મૅચમાંના બે અમ્પાયર જોએલ વિલ્સન અને રવીન્દ્ર વિમલાસિરી તેમ જ કુલ 920 ઇન્ટરનૅશનલ મૅચના અનુભવી મૅચ-રેફરી રંજન મદુગલે, ટીવી અમ્પાયર પૉલ રાયફલ તેમ જ ફોર્થ અમ્પાયર રુચિરા પલ્લીયાગુરુગેના ધ્યાનમાં છ મહિના પહેલાંનો નિયમ હતો જેમાં તેઓ એવું સમજ્યા હતા કે બે દેશ વચ્ચેની વન-ડે સિરીઝ માટેના મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેડિંગમાં ઠરાવાયું હોય તો જ ટાઇ પછી સુપર ઓવર રાખવી. જોકે આઇસીસીના નિયમમાં સ્પષ્ટ લખાયું છે કે તમામ પ્રકારની વન-ડેમાં ટાઇને પગલે સુપર ઓવર રાખવી જ પડશે.
આ પણ વાંચો : ચહલે ઇંગ્લિશ કાઉન્ટીમાં ડેબ્યૂમાં જ મચાવી હલચલ
શ્રીલંકાએ 8 વિકેટે 230 રન બનાવ્યા હતા. ભારતનો દાવ 47.5 ઓવરમાં અર્શદીપની અસલંકા દ્વારા એલબીડબ્લ્યૂમાં વિકેટ લેવાતાં 230 રનના સ્કોર પર પૂરો થયો એ સાથે મૅચ ટાઇ થઈ હતી. જોકે અમ્પાયરે બેલ્સ નીચે પાડીને મૅચ પૂરી થઈ ગઈ હોવાનો સંકેત આપી દીધો હતો. બન્ને ટીમના તમામ ખેલાડીઓએ એકમેક સાથે હાથ મિલાવ્યા અને મૅચનો ત્યાં જ અંત આવી ગયો.
ત્યાર બાદ શ્રીલંકાએ બન્ને વન-ડે જીતીને ભારતને સિરીઝમાં 2-0થી હરાવીને ટી-20 સિરીઝની હારનો બદલો લીધો હતો. શ્રીલંકા ત્યારે 27 વર્ષમાં પહેલી વાર ભારત સામે વન-ડે સિરીઝ જીત્યું હતું.
જોકે અમ્પાયર્સે અને મૅચ રેફરીએ ગરબડ ન કરી હોત અને ટાઇ પછીની સુપર ઓવરમાં ભારત જીત્યું હોત તો સિરીઝમાં ટર્ન આવ્યો હોત અને એ શ્રેણી કદાચ ડ્રૉ ગઈ હોત અથવા ભારત જીતી ગયું હોત.