સ્પોર્ટસ

ક્રિકેટના કાયદા ઘડતી પૅનલમાં કેવા ખેલાડીઓ હોવા જોઈએ? સુનીલ ગાવસકરે સૂચવ્યા કેટલાક નામ…

કટકઃ રવિવારે અહીં બારાબતી સ્ટેડિયમમાં ભારતે ઇંગ્લૅન્ડ સામેની બીજી વન-ડે ચાર વિકેટે જીતીને સિરીઝની ટ્રોફી પર 2-0થી કબજો તો કરી લીધો, પણ 90 બૉલમાં સાત સિક્સર અને બાર ફોરની મદદથી 119 રન બનાવનાર મૅચ-વિનર રોહિત શર્માની વિકેટે ફરી એકવાર ક્રિકેટમાં બદલવામાં આવેલા એક નિયમને ફરી ચર્ચામાં લાવી દીધો છે.

Also read : ચેમ્પિયન ટ્રોફીમાં સુરક્ષા માટે પાકિસ્તાનની સરકારે લીધો મોટો નિર્ણયઃ સેના અને રેન્જર્સનો ઉપયોગ કરવામાં આવશે

કોઈ કૅચ પકડવામાં આવી રહ્યો હોય ત્યારે બન્ને બૅટર ક્રૉસ થઈ ગયા હોય તો પણ નૉન-સ્ટ્રાઇક એન્ડ પરનો બૅટર સ્ટ્રાઇક પર ન આવી શકે એને લગતો આ નિયમ છે અને બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકરે ક્રિકેટના કાયદા ઘડતી પૅનલમાં ક્રિકેટ રમવાનો બહોળો અનુભવ ધરાવતા રાહુલ દ્રવિડ જેવા ખેલાડીઓ હોવા જોઈએ એવું સૂચન કર્યું છે.

દાયકાઓથી ક્રિકેટના કાયદા ઇંગ્લૅન્ડની મૅરિલબૉન ક્રિકેટ ક્લબ (એમસીસી) બનાવે છે. રવિવારે કટકમાં લિઆમ લિવિંગસ્ટનના ફુલટૉસમાં રોહિતે ઊંચો શૉટ માર્યો હતો અને રન લેવા દોડ્યો હતો. આદિલ રાશિદે પાછળની દિશામાં દોડી આવીને મિડવિકેટ પર રોહિતનો કૅચ પકડ્યો હતો અને ત્યાં સુધીમાં રોહિત અને નૉન-સ્ટ્રાઇક એન્ડ પરનો બૅટર શ્રેયસ ઐયર ક્રૉસ થઈ ગયા હતા. જૂના નિયમ મુજ્બ બેઉ બૅટર ક્રૉસ થઈ ગયા એટલે નૉન-સ્ટ્રાઇક એન્ડ પરનો બૅટર શ્રેયસ સ્ટ્રાઇક પર આવે અને નવા બૅટર અક્ષર પટેલે નૉન-સ્ટ્રાઇક એન્ડ પર ઊભા રહેવું પડે.

જોકે 2022ની સાલમાં એમસીસી દ્વારા નિયમમાં ફેરફાર કરાયો હતો જે મુજબ શ્રેયસ નહીં, પણ નવો બૅટર અક્ષર પટેલ સ્ટ્રાઇક પર આવ્યો હતો અને એ ઓવરના બાકીના બૉલ તે રમ્યો હતો અને શ્રેયસ સામા છેડે ઊભો હતો.

ગાવસકરને આ જ નિયમનો ફેરફાર નથી ગમ્યો. તેમણે કહ્યું છે કે એક ઓવરમાં બે બાઉન્સરનો નવો નિયમ કે આખા દિવસમાં 90 ઓવર બોલિંગ થવી જ જોઈએ એવા તથ્યવાળા ફેરફાર ગળે ઉતરે છે અને એ ફેરફાર કરવા પાછળના કારણ સમજી શકાય એવા છે, પણ બન્ને બૅટર્સ ક્રૉસ થઈ જવા છતાં નવા બૅટરને જ સ્ટ્રાઇક પર આવવા મળે એ ફેરફાર મને ઠીક નથી લાગતો. નૉન-સ્ટ્રાઇક એન્ડ પરનો બૅટર ક્રૉસ થઈ ગયો હોય છતાં કેમ તે સ્ટ્રાઇક પર ન આવી શકે અને નવો બૅટર જ આવી શકે એવો ફેરફાર કરવા પાછળનો હેતુ સમજાયો નહીં.

Also read : ઇંગ્લેન્ડની મહિલા હૉકી ટીમ ઓડિશા પહોંચીઃ પંદરમીના ભારત સામે ટકરાશે

ગાવસકરે એવું પણ કહ્યું છે કેક્રિકેટના કાયદા ઘડવાની અને ફેરફાર કરવાની સત્તા એમસીસી નામની પ્રાઇવેટ ક્લબ પાસે છે. એના દ્વારા કાયદા જો વિશ્વભરમાં રમાતી આંતરરાષ્ટ્રીય મૅચો માટે બનાવવામાં આવતા હોય તો પછી એ નિયમો ઘડતી પૅનલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ રમવાનો અનુભવ ધરાવનારાઓ હોવા જ જોઈએ. આ પૅનલમાં રાહુલ દ્રવિડ તેમ જ ગે્રમ સ્મિથ અને રિકી પૉન્ટિંગને સમાવી શકાય. મને લાગે છે કે હાલમાં જે પૅનલ છે એમાં મને લાગતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાનો ખાસ કંઈ અનુભવ ધરાવનારાઓ હોય. અમ્પાયરિંગનો બહોળો અનુભવ ધરાવતા સાયમન ટૉફેલને પણ કમિટીમાં લઈ શકાય. એક વાત નક્કી છે કે કોઈ પણ કાયદો બદલવો હોય તો એ પાછળ કંઈક તથ્ય, કંઈક બૅકગ્રાઉન્ડ હોવું જરૂરી છે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button