વાનખેડેમાં સ્ટૅચ્યૂના અનાવરણ વખતે સુનીલ ગાવસકર ભાવુક થયા…

મુંબઈઃ મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન (MCA)ના ઉપક્રમે શનિવારે વાનખેડે સ્ટેડિયમ ખાતે એમસીએ શરદ પવાર ક્રિકેટ મ્યૂઝિયમ (MUSEUM)ના ઉદ્ઘાટન પ્રસંગે મહાન ક્રિકેટર સુનીલ ગાવસકરના સ્ટૅચ્યૂનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું અને એ સમયે ગાવસકર ભાવુક થઈ ગયા હતા.
આ પ્રસંગે બીસીસીઆઇ તથા આઇસીસીના ભૂતપૂર્વ પ્રમુખ શરદ પવાર (SHARAD PAWAR) તેમ જ રાજ્યના પ્રધાન આશિષ શેલાર, એમસીએના પ્રમુખ અજિંક્ય નાઇક તેમ જ અન્ય પદાધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત હતા. આ મ્યૂઝિયમ બાવીસમી સપ્ટેમ્બરે જાહેર જનતા માટે ખૂલ્લું મૂકાશે.

સની ગાવસકરે પોતાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે ` અહીં મારું જે અનોખું સન્માન થયું છે એ બદલ હું જેટલો ખુશ અને રોમાંચિત થયો છું એનું વર્ણન કરવા માટે મારી પાસે શબ્દો નથી.
એવું મ્યૂઝિયમ કે જેની અસંખ્ય લોકો મુલાકાત લેશે એની બહાર પોતાનું સ્ટૅચ્યૂ હોય એનાથી વધુ આનંદ બીજો કયો હોય! આવું સન્માન દરેકને નથી મળતું હોતું. હું પોતાને ભાગ્યશાળી માનું છું.’
ગાવસકરે એવું પણ કહ્યું હતું કે ` એમસીએ મારા માતા જેવી સંસ્થા છે. હું સ્કૂલ સ્તરે (બૉમ્બે સ્કૂલ વતી) ક્રિકેટ શીખ્યો ત્યારે આ સંસ્થાએ મારો હાથ ઝાલ્યો હતો.
ત્યાર પછી રણજી ટ્રોફી તેમ જ અન્ય સ્પર્ધાઓમાં મુંબઈ વતી રમવાનું મને ગૌરવ મળ્યું હતું. ત્યારે મેં કલ્પના પણ નહોતી કરી કે અહીં મારું આ રીતે સન્માન કરાશે.’
ગાવસકર ટેસ્ટ-ક્રિકેટમાં 10,000 રન પૂરા કરનારા પ્રથમ બૅટ્સમૅન બન્યા હતા. તેમણે આ વિરલ સિદ્ધિ માર્ચ, 1987માં અમદાવાદમાં પાકિસ્તાન સામેની મૅચમાં મેળવી હતી.
આ પણ વાંચો…ક્રિકેટના કાયદા ઘડતી પૅનલમાં કેવા ખેલાડીઓ હોવા જોઈએ? સુનીલ ગાવસકરે સૂચવ્યા કેટલાક નામ…