‘30ની ઉંમર પછી ખેલાડી…’ સુનીલ ગાવસ્કરે વિરાટ-રોહિતની ઝાટકણી કાઢી! જાણો કેમ
નવી દિલ્હી: સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે શરુ થનારી દુલીપ ટ્રોફી (Duleep Trophy) માટે ટીમોની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ એવી ચર્ચા હતી કે વિરાટ કોહલી અને રોહિત શર્મા (Virat Kohli and Rohit Sharma) ઉપરાંત નેશનલ ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ દુલીપ ટ્રોફીમાં રમતા જોવા મળશે. પરંતુ જ્યારે ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે કોઈ દિગ્ગજ ખેલાડીનું નામ કોઈ ટીમમાં સામેલ ન હતું. કોહલી-રોહિત સિવાય જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યાના નામ ટીમમાં નહોતા.
BCCI સેક્રેટરી જય શાહે આ અંગે વાત કરી અને કહ્યું કે આગામી મોટી ટૂર્નામેન્ટને જોતા તેમના પર ડોમેસ્ટિક ક્રિકેટમાં સામેલ થવાનું કોઈ દબાણ ન કરી શકાય. જય શાહે કહ્યું, “તેમને કોઈ ઈજા ન થાય એટલે તેમના પર ડોમેસ્ટિક ક્રિકેટમાં ભાગ લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું નથી.” હવે આ બાબતે લીટલ માસ્ટર સુનીલ ગાવસ્કરે નારાજગી વ્યક્ત કરી છે.
ગાવસ્કરે એક અખબારમાં લખેલી કોલમમાં કોહલી અને રોહિતના દુલીપ ટ્રોફીમાં ન રમવા પર નારાજગી વ્યક્ત કરી છે. ગાવસ્કરે કોલમમાં લખ્યું છે કે “કોહલી અને રોહિતની ઉંમર વધી રહી છે. તેઓએ ફોર્મમાં રહેવા માટે વધુને વધુ મેચ રમવી જોઈએ. જ્યારે આ બંને ખેલાડીઓ હવે T20નો ભાગ નથી, ત્યારે તેઓએ પોતાને ફિટ અને ફોર્મમાં રાખવા માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં ભાગ લેવો જોઈએ.”
ગાવસ્કરે આગળ લખ્યું, “જો કે તે સમજી શકાય તેવું છે કે જસપ્રિત બુમરાહ જેવા ખેલાડીને તેની પીઠ બાબતે સાવચેત રહેવાની જરૂર છે, પરંતુ બેટ્સમેનોએ મેચ રમવામાં થોડો સમય કાઢવો જોઈએ. એકવાર ખેલાડી ત્રીસની ઉંમર વટાવે છે, ત્યાર બાદ નિયમિત રમતા રહેવું તેને તેનું ફોર્મ જાળવવામાં મદદ કરે છે જ્યારે ત્યાં લાંબો વિરામ હોય છે ત્યારે મસલ મેમરી અમુક હદ સુધી નબળી થતી જાય છે. તમે પહેલાની જેમ પરફોર્મ કરી શકતા નથી. “
રોહિત તેની છેલ્લી ટેસ્ટ મેચ આ વર્ષે માર્ચમાં રમ્યો હતો જ્યારે કોહલી જાન્યુઆરીમાં રમ્યો હતો. બંને T20માંથી સન્યાસ લઇ લીધો છે. આ જોડી આવતા મહિને બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી પરત ફરશે. તાજેતરમાં જ રોહિત શર્મા અને વિરાટ કોહલી શ્રીલંકા સામેની વનડે સિરીઝ રમ્યા હતા.