શુભમન ગિલના ટેસ્ટમાં ફ્લોપ જવા માટે સુનીલ ગાવસ્કરે જણાવી મોટી વાત
મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર શુભમન ગિલે સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં માત્ર ૨ અને ૨૬ રન બનાવ્યા અને પછી ભારતનો એક દાવ અને ૩૨ રનથી ઘોર પરાજય થયો એને પગલે ભારતની બેટિંગ વિષે ચિંતિત લેજન્ડરી ક્રિકેટર સુનીલ ગાવસ્કરે ગિલને થોડી ઉપયોગી સલાહ એક મુલાકાતમાં આપી છે. ટેસ્ટ ક્રિકેટમાં શુભમન ગિલના ફ્લોપ જવા માટે કારણો જણાવ્યા હતા.
ગાવસ્કરે કહ્યું હતું કે ગિલ ટેસ્ટમાં સૌથી વધુ આક્રમક રીતે રમે છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટ અને અન્ય બે ફોર્મેટ અલગ છે. આ મુદ્દે ગાવસ્કરે કહ્યું હતું કે ગિલે ટેસ્ટમાં રમતી વખતે આક્રમકતા પર કાબૂ રાખવો જોઈએ. મને લાગે છે કે ટેસ્ટમાં બેટિંગ કરતી વખતે ગિલ વધુ પડતી આક્રમકતાથી રમે છે. ટી-ટવેન્ટી અને વન-ડે રમતી વખતે જે આક્રમકતા બતાવવી પડે એવી ટેસ્ટમાં ન બતાવાય. એમ થોડો ફરક છે અને એ તફાવત બૉલનો છે.
હવામાં તેમ જ ‘ઓફ ધ પિચ’ વાઇટ બૉલ કરતાં રેડ બૉલ વધુ મૂવ થતો હોય છે. રેડ બૉલ ઉછળે પણ વધુ એટલે ગિલે આ બધી બાબતોને ધ્યાનમાં રાખવી જ જોઈએ. તેણે તેની કારકિર્દીની શરૂઆત ખૂબ સારી કરી હતી અને આપણે બધાએ તેના શોટ્સ ખૂબ વખાણેલા. આપણે આશા રાખીએ કે તે ફરી વહેલાસર અસલ ફોર્મમાં આવી જાય.
ગિલ માટે ૨૦૨૩નું વર્ષ ખૂબ સારું રહ્યું, પરંતુ ટેસ્ટમાં તે સારું નથી રમી શક્યો. ૧૦ ઇનિંગ્સમાં તે ફક્ત એક વાર ૫૦ રનનો આંકડો પાર કરી શક્યો છે. ભારતે સાઉથ આફ્રિકામાં પહેલી વાર ટેસ્ટ સિરિજ્ જીતવાની તક તો ગુમાવી દીધી છે, પણ હવે આવતીકાલે શરૂ થનારી અંતિમ ટેસ્ટ જીતીને ટીમ ઈન્ડિયા શ્રેણીને લેવલ કરી શકશે અને એમાં ગિલને ફરી ફોર્મમાં આવવાનો મોકો મળી શકે.