રોહિત-વિરાટ 2027નો વન-ડે વર્લ્ડ કપ રમતા જોવા મળશે? સુનીલ ગાવસકરની પ્રતિક્રિયા ચિંતાજનક કહી શકાય
લિટલ માસ્ટરે બુમરાહને ટેસ્ટની કૅપ્ટન્સી સોંપવા વિશે રસપ્રદ કારણ બતાવ્યું

નવી દિલ્હીઃ ક્રિકેટ-લેજન્ડ સુનીલ ગાવસકર (Sunil Gavaskar)નું માનવું છે કે ટી-20 બાદ હવે ટેસ્ટ-ક્રિકેટમાંથી પણ સંન્યાસ લઈ લેનાર રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) 2027ના વન-ડે વર્લ્ડ કપમાં રમતા કદાચ ન પણ જોવા મળે. લિટલ માસ્ટરે કહ્યું છે કે જો સિલેક્ટરોને એ સમયે એવું લાગશે કે આ બન્ને દિગ્ગજો વન-ડે (One-Day) ટીમમાં સારું એવું યોગદાન આપી શકશે તો આ બન્ને ખેલાડી ટીમમાં અચૂક જોવા મળશે.
ગાવસકરના નિવેદનને અલગ રીતે જોઈએ તો તેમનું કહેવું છે કે આ બન્ને કાબેલ બૅટ્સમેન ટી-20 અને ટેસ્ટમાંથી રિટાયર થઈ ગયા હોવાથી વન-ડે વર્લ્ડ કપ (One-Day world cup) માટેની ટીમમાં તેમના સમાવેશ પર અસર જોવા મળી શકે.
ગાવસકરે તો એક જાણીતા સામયિકને ચોખ્ખું કહ્યું છે કે તેમને નથી લાગતું કે રોહિત-વિરાટ વન-ડેના 2027ના વર્લ્ડ કપમાં રમતા જોવા મળશે.
આ પણ વાંચો: રોહિત-વિરાટ ઉપરાંત હેડ-કોચ ગૌતમ પર પણ બીસીસીઆઇમાં ગંભીર ચર્ચા થઈ શકે
સનીએ મુલાકાતમાં એવું પણ જણાવ્યું છે કે મને નથી લાગતું કે આ બન્ને પ્લેયર હવે ક્યાં સુધી રમશે. હા, આવતા એક વર્ષમાં તેઓ બહુ સારી લયમાં રમતા જોવા મળશે અને (વન-ડેમાં) શાનદાર સદીઓ ફટકારશે તો ભગવાન પણ તેમને વન-ડેના 2027ના વર્લ્ડ કપની ટીમની બહાર નહીં કરી શકે.’ રોહિત અને વિરાટે ગયા વર્ષે ટી-20 વર્લ્ડ કપના ચૅમ્પિયનપદ બાદ ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનું છોડી દીધું હતું અને તાજેતરમાં ભારતને વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી અપાવી હતી અને તાજેતરમાં તેમણે વારાફરતી જાહેરાત કરીને ટેસ્ટ-ક્રિકેટને અલવિદા કરી છે. ગાવસકરનું એવું માનવું છે કેતાજેતરની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં તો રોહિત-કોહલીએ ભારતને ટ્રોફી અપાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું, પરંતુ 2027નો વન-ડેનો વર્લ્ડ કપ હજી દૂર છે. ત્યારે સિલેક્શન કમિટી ટીમ નક્કી કરવા બેસશે ત્યારે તેમને લાગશે કે આ બન્ને દિગ્ગજો હજી પણ વન-ડેમાં સારું રમી શકે એમ છે તો જ તેમને સ્ક્વૉડમાં સમાવશે. હું ક્યારેય સિલેક્ટર નથી બન્યો એટલે સિલેક્ટરના દૃષ્ટિકોણ વિશે ખાસ કંઈ તો ન કહી શકું, પણ જો તમે ટીમનો વિકાસ જોવા માગતા હશો અને ટીમને વેગપૂર્વક આગળ વધતી જોવા માગશો તો તમે એ પણ માનતા હશો કે ક્યારેક પરિસ્થિતિ અનુસાર કઠોર નિર્ણયો લેવા પડતા હોય છે.’
આ પણ વાંચો: રોહિત-વિરાટે કરોડો રૂપિયાના કૉન્ટ્રૅક્ટ કર્યા છે, હમણાં ઓચિંતી શાની નિવૃત્તિ લે!
ગાવસકરે રોહિત-કોહલી વિશે એવું પણ કહ્યું કે કોઈ પણ ખેલાડી પોતાની શરતે (પોતાની મરજી મુજબ) નિવૃત્તિ લેવા માગતો હોય છે અને રોહિત-કોહલીએ એવું જ કર્યું છે.’ ગાવસકરના મતે જસપ્રીત બુમરાહ વારંવાર ઈજા પામતો હોવા છતાં રોહિત પછી હવે તે જ ટેસ્ટ-કૅપ્ટન બનવા માટે યોગ્ય છે. સનીએ કહ્યું છે,મારી દૃષ્ટિએ જસપ્રીત બુમરાહ જ ટેસ્ટનો કૅપ્ટન બનવો જોઈએ. જો કોઈ બીજાને કૅપ્ટન બનાવવામાં આવશે તો તે બુમરાહ પાસે વધુ એક ઓવર કરાવવાનું પસંદ કરશે જ, કારણકે તે નંબર-વન બોલર છે. તે વિકેટ લેવા માટે સક્ષમ હોવાથી કોઈ પણ સુકાની તેની પાસે વધુ બોલિંગ કરાવવાનું ઇચ્છશે. જો ખુદ બુમરાહ કૅપ્ટન હશે તો તે પોતે જાણતો હશે કે ક્યારે બે્રક લેવો અને ક્યારે નહીં. પોતાના શરીર વિશે તે ખુદ સૌથી વધુ જાણતો હશે અને પોતાની જવાબદારી વિશે પણ વધુ વાકેફ હશે.’