‘હોટેલમાં બેઠાં રહેવાને બદલે તમે બધા…’ સુનીલ ગાવસકરની ટીમ ઇન્ડિયાને સલાહ
બૅટિંગ-લેજન્ડ સનીએ રોહિત-રાહુલ વિશે પણ થોડું કહ્યું છે…
ઍડિલેઈડ: ઑસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસકર ટ્રોફી રમી રહેલા ભારતીય ખેલાડીઓને ખુદ બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકરે સલાહ આપી છે કે પિન્ક બૉલ ડે/નાઈટ ટેસ્ટ ખૂબ વહેલી (સવાબે દિવસમાં) પૂરી થઈ ગઈ છે એને પગલે તમે બધા હવે હોટલની રૂમમાં બેઠાં રહીને અમૂલ્ય સમય “વેડફવાને” બદલે ત્રીજી ટેસ્ટ માટેની પ્રેક્ટિસ અત્યારથી જ શરૂ કરી દેજો.
સનીનું કહેવું છે કે રોહિત શર્મા એન્ડ કંપનીએ પ્રેક્ટિસ માટે વધારાના જે બે દિવસ મળ્યા છે એમાં અથાક મહેનત કરવાની જરૂર છે કે જેથી કરીને બ્રિસબેનની ત્રીજી ટેસ્ટ જીતીને આ શ્રેણીમાં કમબૅક કરી શકાય. ઑસ્ટ્રેલિયાએ ઍડિલેઇડ ટેસ્ટમાં 10 વિકેટથી વિજય મેળવીને પાંચ-મૅચની શ્રેણી 1-1થી સમકક્ષ કરી છે.
ગાવસકરે ભારતીય ટીમને સલાહ આપી છે કે “શ્રેણીના બાકીના ભાગને તમે હવે ત્રણ મૅચની શ્રેણી તરીકે જુઓ. ભૂલી જાઓ કે આ પાંચ ટેસ્ટની શ્રેણી છે. હું ઈચ્છું છું કે આ ભારતીય ટીમ આ વધારાના બે દિવસ પણ પ્રેક્ટિસમાં પસાર કરે.”
ગાવસકરે એક સત્તાવાર બ્રોડકાસ્ટરને આ વિષયમાં એવું પણ જણાવ્યું હતું કે “ખૂબ મહત્વની વાત એ છે કે તમારે હોટેલ રૂમમાં અથવા જ્યાં પણ છો ત્યાં બેઠાં ન રહેવું જોઈએ, કારણ કે તમે અહીં ક્રિકેટ રમવા આવ્યા છો. હા, તમારે આખો દિવસ પ્રેક્ટિસ કરવાની કોઈ જરૂર નથી. તમે સવારે અથવા બપોરે, જે સમય પસંદ કરો ત્યારે પ્રેક્ટિસ કરો, પરંતુ આ બહુમૂલ્ય દિવસો બગાડશો નહીં. જો ઍડિલેઇડની ટેસ્ટ પાંચ દિવસ સુધી ચાલી હોત તો તમે રમી જ રહ્યા હોત. એટલે મેદાન પર પાછા પહોંચીને પ્રેક્ટિસ કરવા માંડો. “
ત્રીજી ટેસ્ટ શનિવાર, 14મી ડિસેમ્બરે શરૂ થશે અને ગાવસકરે કહ્યું છે કે ભારતીયોએ આ દરમ્યાનના સમયનો ઉપયોગ તેમના રિધમ પાછા મેળવવા માટે કરવો જોઈએ.તેમણે કહ્યું કે “તમે આ સિરીઝમાં બહુ રન બનાવ્યા જ નથી. રિધમ પાછું મેળવવા તમારે મેદાન પર વધુ સમય આપવો જ પડશે. તમારા બોલરો રિધમ ગુમાવી બેઠાં છે. બીજા ખેલાડીઓ પણ છે જેમણે મેદાન પર વધુ સમય આપવાની જરૂર છે. “
Also read: જુઓ અપશુકનિયાળ રવિવારે ક્રિકેટમાં ભારતના ત્રણ પરાજય કેવી રીતે થયા?
ગાવસકરના મતે “ભારતીય પેસ બોલર્સ ફાસ્ટ બોલિંગને વધુ માફક આવતી ઍડિલેઇડની પિચ પર સંઘર્ષ કરી રહેલા જોવા મળ્યા જેને કારણે પ્રથમ ઈનિંગ્સમાં તેમણે ઘણા રન આપી દીધા હતા. ખાસ કરીને 140 રન બનાવનાર ટ્રેવિસ હેડે એ સ્થિતિનો ફાયદો ઉઠાવ્યો હતો અને ઑસ્ટ્રેલિયાની ટીમ 157 રનની મોટી લીડ લેવામાં સફળ થઈ હતી.” ગાવસકરનું માનવું છે કે તેઓ વૈકલ્પિક પ્રેક્ટિસમાં માનતા જ નથી. ક્યારે કોણે પ્રેક્ટિસ કરવી એ નિર્ણય લેવાનો હક સંપૂર્ણપણે કેપ્ટન અને કોચના હાથમાં હોવો જોઈએ, ખેલાડીઓના હાથમાં નહીં.
ગાવસકરે ચેનલને કહ્યું કે “તમે 150 રન બનાવ્યા છે એટલે તમારે પ્રેક્ટિસમાં આવવાની જરૂર નથી અથવા તમે 40 ઓવર બોલિંગ કરી છે એટલે તમારે હવે પ્રેક્ટિસ કરવાની જરૂર નથી…આવો કોઈ વિકલ્પ ટીમના ખેલાડીઓને આપવાની કોઈ જ જરૂર નથી. તમે જો ખેલાડીઓને એવો વિકલ્પ આપશો તો અમુક પ્લેયર ફટ દઈને કહી દેશે કે હા, અમારે પ્રેક્ટિસ નથી કરવી, અમે રૂમમાં જ રહીશું. ખરેખર તો ભારતીય ક્રિકેટને આવો અભિગમ પરવડે એમ નથી.”
ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને ગાવસકરની એવી પણ સલાહ છે કે “ ભારતીય ક્રિકેટને એવા જ ખેલાડીઓની જરૂર છે જેઓ પૂરેપૂરી સમર્પણ ભાવના બતાવે. ભારત વતી રમવા મળે એ મોટું ગૌરવ કહેવાય. ભારતીયોનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ કુલ 57 દિવસનો છે. પાંચ ટેસ્ટ મેચના કુલ પચીસ દિવસ બાદ કરીએ તો 32 દિવસ ફુરસદના કહેવાય. રમાઈ ગયેલી પ્રેક્ટિસ મૅચના બે દિવસ કાઢી નાખો તો 30 દિવસ બાકી કહેવાય. પર્થમાં ખેલાડીઓને વધારાનો એક દિવસ અને ઍડિલેઇડમાં બે દિવસ, એમ કુલ મળીને વધુ ત્રણ દિવસ પ્રેક્ટિસ માટે મળ્યા. એટલે જ ખેલાડીઓને મારી વિનંતી છે કે મેદાન પર ઉતરો અને ખૂબ પ્રેક્ટિસ કરો. હા, બુમરાહ, રોહિત અને વિરાટ અપવાદ છે. તેઓ પ્રેક્ટિસ ન કરવા માગે તો કોઈ વાંધો નહીં. તેઓ ટીમમાં સૌથી અનુભવી છે. જોકે બાકીના ખેલાડીઓએ પ્રેક્ટિસ કરતા રહેવું જોઈએ. “
Also read: રોહિત શર્માએ કહ્યું, `શમી માટે ટીમનો દરવાજો ખુલ્લો છે, પરંતુ તેના ઘૂંટણ પર…’
સની ગાવસકરે રોહિત શર્મા અને કેએલ રાહુલના વિષયમાં કહ્યું છે કે “ઓપનિંગમાં યશસ્વી સાથે રોહિતે જ રમવું જોઈએ. રાહુલને નીચલા ક્રમે બીજા નવા બૉલનો સામનો કરવા મોકલી શકાય. હું આશાવાદી છું. બ્રિસબેનમાં ભારતનો ટોપ-ઑર્ડર સારું રમશે એટલે રાહુલને ત્રણ-ચાર વિકેટ પડ્યા પછી બીજા નવા બૉલનો સામનો કરવા માટે મોરચા પર મોકલી શકાય. “