ગાવસકર તરફથી જેમિમાને મળી અનોખી ગિફ્ટ

મુંબઈઃ ભારતના બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકરે (Gavaskar) ગયા વર્ષે ઑક્ટોબર-નવેમ્બરના મહિલાઓના વન-ડે વર્લ્ડ કપ વખતે ભારતીય ઑલરાઉન્ડર જેમિમા રૉડ્રિગ્સને જો તે ભારતને વર્લ્ડ કપની પ્રથમ ટ્રોફી અપાવશે તો તેઓ બૉલીવૂડના ખૂબ લોકપ્રિય ગીત પર તેની સાથે પર્ફોર્મ કરશે એવું જે વચન આપ્યું હતું એ તેમણે પાળ્યું છે. ગાવસકરે જેમિમાને બૅટના આકારમાં ખાસ બનાવેલું ગિટાર ગિફ્ટ આપ્યું છે.
જેમિમા (Jemima)ને ગિટાર વગાડવાનો ખૂબ શોખ છે. તે ભારતીય ટીમના ડ્રેસિંગ-રૂમમાં તેમ જ ફૅમિલી ફંક્શનમાં સ્ટેજ પર ગિટાર સાથે પર્ફોર્મ કરતી હોય છે. તેણે ઑક્ટોબર, 2025માં વર્લ્ડ કપની ઑસ્ટ્રેલિયા સામેની સેમિ ફાઇનલના ધમાકેદાર પર્ફોર્મન્સમાં અણનમ 127 રન કરીને ભારતને ફાઇનલમાં પહોંચાડ્યું હતું અને પછી ફાઇનલમાં ભારતે સાઉથ આફ્રિકાને હરાવીને ઐતિહાસિક ટ્રોફી જીતી લીધી હતી.
આ પણ વાંચો : ક્રિકેટના કાયદા ઘડતી પૅનલમાં કેવા ખેલાડીઓ હોવા જોઈએ? સુનીલ ગાવસકરે સૂચવ્યા કેટલાક નામ…
ભૂતપૂર્વ ઓપનિંગ બૅટ્સમૅન ગાવસકરે બૅટના આકારમાં બનાવડાવેલું ગિટાર (Guitar) જેમિમાને ભેટ આપતાં પહેલાં તેને સૌથી પહેલાં તો વર્લ્ડ કપના વિજય બદલ અભિનંદન આપ્યા હતા અને પછી તેને બૅટવાળું ગિટાર આપ્યું હતું. બન્ને વચ્ચે ક્રિકેટને લગતી ઘણી હળવી વાતચીત પણ થઈ હતી અને સની ગાવસકરે સોશ્યલ મીડિયામાં મજાકમાં લખ્યું, ` આ મુલાકાતના દિવસે મેં ઓપનિંગ નહોતું કર્યું.’ સનીનો કહેવાનો અર્થ એ હતો કે બૅટવાળા ગિટારનું તેમણે નહીં, પણ જેમિમાએ ઓપનિંગ કર્યું હતું.
આ મુલાકાત દરમ્યાન ગાવસકર અને જેમિમાએ સાથે મળીને શોલે' ફિલ્મનું કિશોર કુમાર તથા મન્ના ડેવાળું યે દોસ્તી’ ગીત ગાયું હતું. જેમિમાએ ગિટાર પર એ ગીતની ધૂન વગાડીને પોતાની કલા બતાવી હતી. જેમિમાએ પછીથી ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ` સુનીલ સરે વચન પાળ્યું. તેમણે મને ગિફ્ટ આપેલું બૅટના આકારનું ગિટાર મારા માટે સ્પેશ્યલ છે.’



