ભારતીય ટીમ 358 રન ડિફેન્ડ કેમ ન કરી શકી? સુનીલ ગાવસ્કરે જણાવ્યું હારનું મુખ્ય કારણ

રાયપુર: દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ ODI મેચની સિરીઝની બીજી મેચ ગઈ કાલે છત્તીસગઢના રાયપુરમાં રમાઈ. પહેલા બેટિંગ કરીને 358 રન બનાવ્યા હોવા છતાં ભરતીય ટીમ તેને ડિફેન્ડ ન કરી શકી, ટીમ 4 વિકેટથી મેચ હારી ગઈ. ભારતની આ હાર પાછળ ઘણાં કારણો જવાબદાર રહ્યા. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટના જાણકાર સુનીલ ગાવસ્કરે ભારતીયના હારનાં કારણો વિશ્લેષણ કર્યું.
એડન માર્કરામ જયારે 57 રન રમી રહ્યો હતો ત્યારે, યશસ્વી જયસ્વાલે તેનો કેચ છોડ્યો હતો. આ જીવનદાન મળ્યા બાદ માર્કરમે શાનદાર બેટિંગ કરીને 110 રન બનાવ્યા. કેટલાક લોકો ભારતની હારનું ઠીકરું યશસ્વી જયસ્વાલ પર ફોડીઓ રહ્યા છે.
આ પણ વાંચો : ભારતની હાર બાદ સુનીલ ગાવસ્કરે કોચિંગ સ્ટાફની ઝાટકણી કાઢી, ગંભીરે સવાલ ઉઠાવ્યા
ભારતીય ટીમની હારના કારણો વિશે વાત કરતા સુનીલ ગાવસ્કરે કહ્યું કે ટોસ હારવું એ ભારતની હારનું મુખ્ય કારણ હતું. તેમણે કહ્યું, “સ્પોર્ટ્સમાં માત્ર એક ભૂલને કારણે હાર મળે એવું હંમેશા જરૂરી નથી. ટોસ ખૂબ જ મહત્વપૂર્ણ હતો, તમે જુઓ કે આઉટફિલ્ડ કેટલું ભીનું હતું. કદાચ પહેલી 6 ઓવર બાદ બોલ સતત ભીનો રહેતો હતો. ફક્ત બોલર જ નહીં પરંતુ ફિલ્ડરને પણ તેને કારણે તકલીફ થઇ, ખેલાડીઓને યોગ્ય ગ્રિપ ન મળી, બોલ સાબુનો ગોટી જેવો થઇ જાય છે.”
ગાવસ્કરે કહ્યું, “જ્યારે તમે રન આઉટ કરવા માટે થ્રો કરવાનો પ્રયાસ કરો છો, ત્યારે પણ બોલ તમારા હાથમાંથી સરકી જાય છે. ભારતીય પરિસ્થિતિઓમાં તમે ટોસ જીતો છો, તો તમારે હંમેશા પહેલા બોલિંગ કરવી જોઈએ, જેથી ભીના બોલની સમસ્યાનો સામનો ન કરવો પડે. ટોસને કારણે મોટો ફરક પડ્યો.”
આ પણ વાંચો : શુભમન ગિલના ટેસ્ટમાં ફ્લોપ જવા માટે સુનીલ ગાવસ્કરે જણાવી મોટી વાત
દક્ષિણ આફ્રિકાના વખાણ કર્યા:
સુનીલ ગાવસ્કરે કહ્યું, “મને લાગે છે કે ગઈ કાલની મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમને શ્રેય આપવો પડશે. તમે ભારતીય ખેલાડી સામે આંગળી ન ચીંધી શકો. રાયપુરમાં બેટિંગ માટે સારી પિચ હતી. દક્ષિણ આફ્રિકાએ ખરેખર સારી બેટિંગ કરી. મેથ્યુ બ્રીટ્ઝક નવો છે, પણ ખૂબ જ સારો ખેલાડી છે. તેણે નાની પાર્ટનરશીપ બનાવીને પરિપક્વતા બતાવી. ક્વિન્ટન ડી કોકની વિકેટ પડ્યા પછી ટેમ્બા બાવુમા અને એડન માર્કરામે પણ સારી પાર્ટનરશીપ કરી.”
વિશાખાપટ્ટનમમાં નિર્ણાયક મેચ:
ભારતે પહેલા બેટિંગ કરતા 358 રન બનાવ્યા હતા, જેમાં વિરાટ કોહલીએ 102 અને રુતુરાજ ગાયકવાડ 105 રનની ઇનિંગ રમી હતી. કે એલ રાહુલે પણ 66 રનની ઇનિંગ રમી હતી. દક્ષિણ આફ્રિકાએ 49.2 ઓવરમાં છ વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ ચેઝ કરી લીધો.
હાલ ત્રણ મેચની સિરીઝ 1-1 થી બરાબર છે, સિરીઝની અંતિમ નિર્ણાયક મેચ 6 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાશે.



