
ભારતીય ફૂટબોલ ટીમ(Indian Football team)ના સ્ટાર ખેલાડી સુનીલ છેત્રી(Sunil Chhetri)એ આજે ગુરુવારે સવારે નિવૃત્તિ(Retirement) ની જાહેરાત કરી હતી. છેત્રીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરી નિવૃત્તિ અંગે જાહેરાત કરી હતી. સુનીલે જાણવું કે તેણે રમતમાંથી વિદાય લેવાનો નિર્ણય કર્યો છે. તેણે 10 મિનિટ લાંબો વીડિયો શેર કરીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. 6 જૂને કુવૈત સામેની ફિફા વર્લ્ડ કપ ક્વોલિફિકેશન મેચ (Worldcup qualification match) તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની છેલ્લી મેચ હશે.
સુનીલ છેત્રીએ વીડિયોમાં જણાવ્યું કે જ્યારે તેણે તેના પરિવારને નિવૃત્તિ લેવા અંગે જણાવ્યું તો તેઓ પણ ભાવુક થઈ ગયા. સુનીલે જણાવ્યું કે, ‘મેં પહેલા મારા માતા-પિતા અને પત્નીને આ નિર્ણય વિશે જણાવ્યું. મારા પિતા ખુશ હતા પણ મારી માતા અને પત્ની રડવા લાગ્યા. મેં તેને કહ્યું કે તમે હંમેશા મને કહેતા કે મને રમતા જોઈને તમે બહુ દબાણ અનુભવો છો, પણ હવે એવું નહીં થાય. હું ફરી ક્યારેય નહીં રમું, તો તમે કેમ રડો છો. તેમની પાસે આનો જવાબ નહોતો.’
I'd like to say something… pic.twitter.com/xwXbDi95WV
— Sunil Chhetri (@chetrisunil11) May 16, 2024
સુનીલ છેત્રીએ કહ્યું કેમને નથી લાગતું કે ચાહકોએ મને જેટલો પ્રેમ આપ્યો છે તેટલો પ્રેમ આ દેશના કોઈ ખેલાડીને મળ્યો છે. મને સૌથી વધુ પ્રેમ મળી રહ્યો છે. છેત્રીએ વધુમાં કહ્યું કે તે ઇચ્છતો હતો કે તેનો પુત્ર તેને મેદાન પર રમતા જોવે. તેને ખબર હોવી જોઈએ કે તેના પિતાએ તેની કારકિર્દીમાં શું કર્યું છે. છેત્રીએ પોતાને ખૂબ નસીબદાર અને મહેનતુ ફૂટબોલ ખેલાડી ગણાવ્યો.
સુનીલ છેત્રીએ અંડર-20 અને અંડર-23 ટીમો સાથે ભારતમાં પોતાની ઓળખ બનાવી હતી. તેણે વર્ષ 2005માં સિનિયર ટીમમાં ડેબ્યૂ કર્યું હતું. ભાઈચુંગ ભૂટિયા બાદ તેણે ટીમની કમાનની જવાબદારી પણ સંભાળી હતી. તેણે ભારત માટે 150 મેચમાં 94 ગોલ કર્યા છે.
ક્રિકેટર વિરાટ કોહલીએ સુનીલ છેત્રીની પોસ્ટ પર કમેન્ટ કરી હતી. તેણે લખ્યું, ‘મારા ભાઈ, અમને તમારા પર ગર્વ છે.’
છેત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. ચાહકો તેમના સ્ટાર કેપ્ટનને તેની શાનદાર કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે.