સ્પોર્ટસ

સ્ટીવ સ્મિથે 45મો રન કર્યો એટલે રહાણેનો રેકૉર્ડ તૂટી ગયો!

લંડનઃ ઘણાને નવાઈ લાગી હશે કે સ્ટીવ સ્મિથ (STEVE SMITH) જેવા પીઢ ટેસ્ટ બૅટ્સમૅને ભારતના અજિંક્ય રહાણે (AJINKYA RAHANE)નો વળી કયો વિક્રમ તોડ્યો હશે? વાત એવી છે કે સ્ટીવ સ્મિથ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ મૅચોમાં સૌથી વધુ રન બનાવનાર બૅટ્સમૅન બની ગયો છે.

ઑસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ 212 રનના સ્કોર પર પૂરો થયો હતો. ડિફેન્ડિંગ ચૅમ્પિયન ટીમે માત્ર 67 રનમાં ચાર વિકેટ ગુમાવી હતી ત્યારે સ્મિથે બાજી સંભાળી હતી અને ઑસ્ટ્રેલિયન ટીમને વધુ મુસીબતમાં જતા રોકી હતી. સ્મિથે 162 મિનિટ સુધી ક્રીઝમાં ટક્યા રહીને 112 બૉલમાં 10 ફોરની મદદથી 66 રન કર્યા હતા. સ્મિથે લબુશેન (17) સાથે ત્રીજી વિકેટ માટે 30 રનની, ટ્રૅવિસ હેડ (11 રન) સાથે ચોથી વિકેટ માટે 21 રનની અને બ્યૂ વેબસ્ટર (72 રન, 139 મિનિટ, 92 બૉલ, 11 ફોર) સાથે પાંચમી વિકેટ માટે 79 રનની ભાગીદારી કરી હતી.

આ પણ વાંચો: ભારતને એક શહેરમાં રમવાથી ફાયદો થવાના અહેવાલ અંગે સ્ટીવ સ્મિથે કરી નાખ્યું દૂધનું દૂધ અને પાણીનું પાણી…

ડબ્લ્યૂટીસીના ઇતિહાસની ત્રીજી ફાઇનલ (FINAL) રમાઈ રહી છે. આ ફાઇનલ પહેલાંની બે ફાઇનલમાં સૌથી વધુ 199 રન રહાણેના નામે હતા જે તેણે બે ફાઇનલની ચાર ઇનિંગ્સમાં કર્યા હતા. જોકે સ્મિથે બુધવારે 45મો રન કર્યો એ સાથે તે રહાણેથી આગળ નીકળી ગયો છે અને ડબ્લ્યૂટીસીની ફાઇનલ્સમાં હાઇએસ્ટ રન સ્ટીવ સ્મિથના નામે છે.

એટલું જ નહીં, સ્મિથ ડબ્લ્યૂટીસીની ફાઇનલ્સમાં 200-પ્લસ રન કરનાર પ્રથમ પ્લેયર પણ બની ગયો છે. હવે સ્મિથ પછી બીજા નંબરે રહાણે (199 રન) અને ત્રીજા સ્થાને ઑસ્ટ્રેલિયાનો જ ટ્રૅવિસ હેડ (192 રન) છે.

ભારત પહેલી વાર ડબ્લ્યૂટીસીની ફાઇનલના પ્રવેશથી વંચિત રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button