સ્ટીવ સ્મિથ હાઇએસ્ટ 14 કરોડ પાકિસ્તાની રૂપિયામાં ખરીદાયો, ભારતીય રૂપિયામાં એનું મૂલ્ય માત્ર આટલા રૂપિયા…

કરાચીઃ ટી-20 વર્લ્ડ કપમાં ઈજાગ્રસ્ત ઑસ્ટ્રેલિયન કૅપ્ટન મિચલ માર્શના વિકલ્પ તરીકે તાબડતોબ ટીમમાં સામેલ કરવામાં આવેલો પીઢ બૅટ્સમૅન સ્ટીવ સ્મિથ (STEVE SMITH) પાકિસ્તાન સુપર લીગ (PSL)ના પ્લેયર્સ-ઑક્શનમાં આ ટૂર્નામેન્ટના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે, પરંતુ ભારતીય ચલણમાં ગણતરી કરીએ તો સ્મિથનું મૂલ્ય ભારતના સામાન્ય ખેલાડી જેટલું છે. સ્મિથને સિયાલકોટ સ્ટૅલિયન્સ નામના નવા ફ્રૅન્ચાઇઝીએ 14 કરોડ પાકિસ્તાની રૂપિયામાં ખરીદ્યો છે. જોકે ભારતીય ચલણમાં એનું મૂલ્ય માત્ર 4.54 કરોડ રૂપિયા છે.
કયા વિદેશી ખેલાડીઓ રમશે?
પાકિસ્તાને પીએસએલનું આયોજન ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની સીઝન દરમ્યાન જ કર્યું છે અને પીએસએલમાં રમનારા મોટા ભાગના વિદેશી ખેલાડીઓ એવા છે જેમને આઇપીએલના ઑક્શનમાં એક પણ ફ્રૅન્ચાઇઝીએ નહોતા ખરીદ્યા. એમાં ડેવિડ વૉર્નર, ઍડમ ઝૅમ્પા, ડેરિલ મિચલ, ડેવૉન કૉન્વે, માર્ક ચૅપમૅન, મુસ્તફિઝુર રહમાન, રાઇલી રોસોઉ, તબે્રઝ શમ્સી, દાસુન શનાકા, કુસાલ મેન્ડિસ અને માર્નસ લબુશેનનો સમાવેશ છે.
આપણ વાચો: સ્ટીવ સ્મિથને પાકિસ્તાન ઉપરાંત શ્રીલંકા-ભારત સાથે પણ લેણું હતું જ એટલે તેણે આવવું જ પડ્યું
11મી સીઝન, પણ પહેલી વાર ઑક્શન
નવાઈની વાત એ છે કે પીએસએલની આ 11મી સીઝન છે, પણ આ વખતે પહેલી જ વખત ખેલાડીઓની હરાજી (AUCTION) રાખવામાં આવી હતી. અગાઉ ડ્રાફ્ટ ફૉર્મેટને આધારે ખેલાડીઓની પસંદગી કરવામાં આવતી હતી.
બાબર, નસીમ, સઇમના ભાવ જાણી લો…
બુધવારે લાહોરમાં આયોજિત હરાજીમાં આઠ ફ્રૅન્ચાઇઝીએ કુલ 103 ખેલાડીને ખરીદ્યા હતા જેમાં પેસ બોલર નસીમ ખાન 8.65 કરોડ પાકિસ્તાની રૂપિયામાં સૌથી મોંઘો પાકિસ્તાની પ્લેયર બન્યો હતો. જોકે ભારતીય ચલણમાં નસીમ ખાનના સાઇનિંગ કૉન્ટ્રૅક્ટનું મૂલ્ય માત્ર 2.81 કરોડ રૂપિયા છે. તેને ઇસ્લામાબાદ યુનાઇટેડે ખરીદ્યો હતો. આ જ ટીમે ઑલરાઉન્ડર ફહીમ અશરફને 8.50 પાકિસ્તાની રૂપિયા (ભારતીય ચલણમાં 2.76 કરોડ રૂપિયા)માં ખરીદ્યો હતો.

બાબર આઝમને પેશાવર ઝલ્મી નામના ફ્રૅન્ચાઇઝીએ 7.00 કરોડ પાકિસ્તાની રૂપિયા (ભારતીય ચલણમાં 2.27 કરોડ રૂપિયા)માં રીટેન કર્યો છે. જોકે રીટેન કરવામાં આવેલા ખેલાડીઓમાં પાકિસ્તાની ઓપનર સઇમ અયુબ સૌથી મોંઘો છે. તેને પેશાવર ઝલ્મી ટીમે 12.20 કરોડ પાકિસ્તાની રૂપિયા (ભારતીય ચલણમાં 3.96 કરોડ રૂપિયા)માં રીટેન કર્યો છે.



