વર્લ્ડ કપમાં ઈજાગ્રસ્ત હસરંગાના સ્થાને રમશે હેમંથા…

કોલંબોઃ ટી-20 વર્લ્ડ કપના સહ-યજમાન શ્રીલંકાના સ્ટાર ઑલરાઉન્ડર વનિન્દુ હસરંગા (HASARANGA)ને સાથળના સ્નાયુમાં અસહ્ય દુખાવો થતાં તે વિશ્વ કપની બહાર થઈ ગયો છે અને તેના સ્થાને શ્રીલંકાની ટીમમાં લેગ-સ્પિન ઑલરાઉન્ડર દુશાન હેમંથા (HEMANTHA)ને સમાવવામાં આવ્યો છે.
રવિવારે આયરલૅન્ડ સામેની પ્રથમ મૅચમાં હસરંગાને ઈજા નડી હતી. હસરંગાએ પોતાનો સ્પેલ પૂરો કર્યો હતો જેમાં તેણે ચાર ઓવરમાં પચીસ રનના ખર્ચે ત્રણ વિકેટ લીધી હતી અને આયરલૅન્ડને 164 રનનો લક્ષ્યાંક મેળવતા રોક્યું હતું. જોકે સોમવારે તેના ડાબા પગનું સ્કૅન કરવામાં આવતાં તેની ઈજા ગંભીર હોવાનું જણાયું હતું. હસરંગાને ઘણા વર્ષથી પગની ઈજાઓ નડી છે.
31 વર્ષનો હેમંથા શ્રીલંકા વતી પાંચ વન-ડે અને ત્રણ ટી-20 રમ્યો છે. શ્રીલંકાની હવે પછીની મૅચ ગુરુવાર, 12મી ફેબ્રુઆરીએ ઓમાન સામે રમાશે.
દરમ્યાન આઇસીસીએ ન્યૂ ઝીલૅન્ડના ઈજાગ્રસ્ત માઇકલ બ્રેસવેલના સ્થાને પણ વૈકલ્પિક ખેલાડીને ટીમમાં સમાવવાની મંજૂરી આપી છે. બ્રેસવેલને આઠમી ફેબ્રુઆરીએ ચેન્નઈમાં અફઘાનિસ્તાન સામેની વૉર્મ-અપ મૅચમાં પગમાં ઈજા થઈ હતી.
ગુરુવારે કયા મુકાબલા?
શ્રીલંકા-ઓમાન
(પલ્લેકેલ, સવારે 11.00)
નેપાળ-ઇટલી
(મુંબઈ, બપોરે 3.00)
ભારત-નામિબિયા
(દિલ્હી, સાંજે 7.00)



