પિતાનું પાર્થિવ શરીર હજી ઘરમાં જ હતું અને શ્રીલંકન ક્રિકેટર ફરી રમવા યુએઇ જવા રવાના થયો! | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

પિતાનું પાર્થિવ શરીર હજી ઘરમાં જ હતું અને શ્રીલંકન ક્રિકેટર ફરી રમવા યુએઇ જવા રવાના થયો!

કોલંબો/દુબઈઃ શ્રીલંકાના બાવીસ વર્ષીય લેફ્ટ-આર્મ સ્પિનર દુનિથ સુરંગા વેલ્લાલાગે (Dunith Wellalage)એ પિતાના અવસાન (Father’s death) છતાં એશિયા કપમાં ફરી રમવા માટે ભારે હૃદયે દુબઈ પાછા આવીને ક્રિકેટ માટે અને પોતાની ટીમ માટે અનેરી સમર્પણ ભાવના બતાવી છે. ગુરુવારે દુનિથ અફઘાનિસ્તાન સામેની મૅચમાં રમ્યો હતો. એ મૅચ દરમ્યાન તેના પિતાનું કોલંબોમાં હાર્ટ અટૅકથી અવસાન થયું હતું. જોકે શ્રીલંકાએ વિજય સાથે મૅચ પૂરી કરી ત્યાર બાદ દુનિથ પાછો આવી રહ્યો હતો ત્યારે હેડ-કોચ સનથ જયસૂર્યાએ મેદાન પર જ તેને બૅડ ન્યૂઝ આપતાં કહ્યું હતું કે તારા પિતાનું અવસાન થયું છે અને તું બધી હિંમત ભેગી કરીને કોલંબો પહોંચી જા.

દુનિથ ગુરુવારે રાત્રે જ ટીમ-મૅનેજર સાથે સ્વદેશ પાછો આવ્યો હતો. જોકે શુક્રવારે રાત્રે શ્રીલંકન ક્રિકેટ બોર્ડે જાહેર કર્યું હતું કે દુનિથ શનિવારે બાંગ્લાદેશ સામેની સુપર-ફોર મૅચમાં રમવા માટે ઉપલબ્ધ છે. શનિવારે બાંગ્લાદેશ સામેની મૅચ માટેની શ્રીલંકન પ્લેઇંગ-ઇલેવનમાં દુનિથનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

શુક્રવારે દુનિથના પિતાનું પાર્થિવ શરીર કોલંબોમાં ઘરમાં જ હતું અને ત્યારે દુનિથ યુએઇ પાછા આવવા રવાના થયો હતો. તે ઘરેથી રવાના થતાં પહેલાં શોકમગ્ન વાતાવરણમાં પરિવારજનોને તેમ જ અન્ય સ્વજનોને મળ્યો હતો, બધા ખૂબ રડ્યા હતા અને બધાને મળીને દુનિથ કોલંબો ઍરપોર્ટ જવા રવાના થયો હતો.

શ્રીલંકાની શનિવારની બાંગ્લાદેશ સામેની મૅચ પછી મંગળવારે પાકિસ્તાન સામે અને શુક્રવારે ભારત સામે મૅચ છે.

સચિન અને વિરાટના ઉદાહરણો પ્રેરક

સચિન તેન્ડુલકરના પિતા રમેશ તેન્ડુલકરનું 1999માં મુંબઈમાં અવસાન થયું હતું. સચિન ત્યારે ઇંગ્લૅન્ડમાં વર્લ્ડ કપમાં રમી રહ્યો હતો. દુઃખદ સમાચાર મળતાં જ સચિન મુંબઈ આવવા રવાના થયો હતો. પિતાના અગ્નિસંસ્કાર બાદ સચિન પાછો ઇંગ્લૅન્ડ આવી ગયો હતો અને કેન્યા સામેની મૅચમાં તેણે મૅચ-વિનિંગ અણનમ 140 રન કરીને એ સેન્ચુરી સદગત પિતાને અર્પણ કરી હતી.

2006માં વિરાટ કોહલી 18 વર્ષનો હતો અને ત્યારે કર્ણાટક સામેની દિલ્હીની રણજી મૅચમાં એ દિવસે તેણે દિલ્હી વતી 40 રન કર્યા હતા અને નૉટઆઉટ હતો. એ દિવસની મધરાત બાદ વિરાટના પિતા પ્રેમ કોહલીનું પરોઢિયે હાર્ટ અટૅકથી અવસાન થયું હતું. વિરાટનો પરિવાર આઘાતમય હતો એટલું જ નહીં, દિલ્હી-ક્રિકેટમાં પણ શોકની લાગણી ફરી વળી હતી. વિરાટ સવારે મૅચના સમય પહેલાં દિલ્હીના મેદાન પર પહોંચી ગયો હતો અને દિલ્હીની ટીમનો ધબડકો અટકાવીને 90 રનની ઇનિંગ્સ સાથે દિલ્હીને મુસીબતમાંથી બચાવી લીધું હતું. એ દિવસની રમત બાદ વિરાટ સાંજે પિતાના અગ્નિસંસ્કાર વખતે પાછો પરિવાર સાથે જોડાઈ ગયો હતો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button