સ્પોર્ટસ

બૅડ્મિન્ટનમાં 65મી રૅન્કના શ્રીકાંતે ચડિયાતા ક્રમના પ્લેયરને જોરદાર લડત આપી અને પછી…

ક્વાલાલમ્પુરઃ ભારતનો બૅડ્મિન્ટન-સ્ટાર કિદામ્બી શ્રીકાંત (KIDAMBI SRIKKANT) એક સમયે વર્લ્ડ નંબર-વન હતો, પરંતુ હાલમાં છેક 65મી રૅન્ક પર છે એમ છતાં તેણે શુક્રવારે પોતાનાથી ચડિયાતા ક્રમના ફ્રાન્સના ખેલાડી તોમા જુનિયર પૉપોવને મલયેશિયા માસ્ટર્સ (Malaysia masters) બૅડ્મિન્ટન ટૂર્નામેન્ટમાં જોરદાર લડત આપીને વિજય મેળવી સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

પૉપોવ (Toma Popov)ની હાલમાં 18મી રૅન્ક છે. શ્રીકાંતે તેને ક્વૉર્ટર ફાઇનલમાં 24-22, 17-21, 22-20થી હરાવીને લાસ્ટ-ફોરમાં પ્રવેશ કરી લીધો હતો. બન્નેની મૅચ એક કલાક અને 14 મિનિટ સુધી ચાલી હતી. શ્રીકાંત અગાઉના કેટલાક વર્ષો દરમ્યાન પૉપોવ સામે બન્ને મુકાબલા હારી ગયો હતો.

આપણ વાંચો:  બેંગલૂરુએ ફીલ્ડિંગ લીધીઃ જાણી લો, આજે આરસીબીનો કૅપ્ટન કોણ છે?

32 વર્ષનો શ્રીકાંત ગુન્ટુર શહેરનો છે. તે 2021ની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં સિલ્વર મેડલ તેમ જ એશિયન ગેમ્સમાં પણ રજત ચંદ્રક જીત્યો હતો. છેલ્લા થોડા વર્ષોથી તેને ઈજા અને ફિટનેસની સમસ્યા નડી હોવાથી હાલમાં તે છેક 65મા નંબર પર છે. એક સમયે તે વર્લ્ડ નંબર-વન હતો. તે મલયેશિયાની વર્તમાન ટૂર્નામેન્ટમાં બાકી રહેલો એકમાત્ર ભારતીય ખેલાડી છે.

શ્રીકાંત સેમિ ફાઇનલમાં જાપાનના યુશી તનાકા સામે રમશે. છેલ્લા એક વર્ષમાં શ્રીકાંતની આ પહેલી જ સેમિ ફાઇનલ છે. યુશી તનાકાએ બીજી ક્વૉર્ટર ફાઇનલમાં ફ્રાન્સના પૉપોવના ભાઈ ક્રિસ્ટો પૉપોવને 21-18, 16-21, 21-6થી હરાવ્યો હતો. બીજી સેમિ ફાઇનલ જાપાનના કોડાઈ નારોકા અને ચીનના લિ શી ફેન્ગ વચ્ચે રમાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button