મહિલા વર્લ્ડ કપમાં શ્રીલંકાની બીજી હાર, ઑસ્ટ્રેલિયાની આસાન જીત
મેગન શટ પ્લેયર ઑફ ધ મૅચ: બીજી મૅચમાં ઇંગ્લૅન્ડે બાંગ્લાદેશને હરાવ્યું
શારજાહ: મહિલાઓના ટી-20 વર્લ્ડ કપમાં શનિવારે અહીં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાએ એશિયન ચૅમ્પિયન શ્રીલંકાને છ વિકેટે હરાવીને પોતાની છાપ પ્રમાણે વિજયી શરૂઆત કરી હતી. ઑસ્ટ્રેલિયા ફરી ટ્રોફી જીતવા માટે ફેવરિટ છે, જ્યારે શ્રીલંકાએ લાગલગાટ બીજી મૅચમાં પરાજય જોયો હોવાથી સેમિ ફાઇનલમાં પહોંચવું એના માટે મુશ્કેલ છે.
શ્રીલંકાએ પ્રથમ બૅટિંગ કરી હતી, પણ ચમારી અથાપથ્થુની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે ફક્ત 93 રન બનાવી શકી હતી. ઑસ્ટ્રેલિયન પેસ બોલર મેગન શટે ત્રણ વિકેટ તેમ જ લેફ્ટ-આર્મ સ્પિનર સૉફી મૉલિન્યૉક્સે બે વિકેટ લીધી હતી.
ઑસ્ટ્રેલિયાએ માત્ર 94 રનના લક્ષ્યાંકને લક્ષમાં રાખીને ધમાકેદાર શરૂઆત કરવાની યોજના ઘડી હતી, પણ 35 રનમાં ઑસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટ ગુમાવી હતી. જોકે ઓપનર બેથ મૂની (43 રન, 38 બૉલ, ચાર ફોર) ક્રીઝ પર ટકી રહી હતી અને ઍશ્લેઇ ગાર્ડનર (12 રન, 15 બૉલ, એક ફોર) સાથે ચોથી વિકેટ માટે મૅચ-વિનિંગ 43 રનની ભાગીદારી કરી હતી.
ઑસ્ટ્રેલિયાએ 14.2 ઓવરમાં ચાર વિકેટે 94 રનના સ્કોર સાથે વિજય મેળવી લીધો હતો.
12 રનમાં ત્રણ વિકેટ લેનાર મેગન શટને પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.
ઑસ્ટ્રેલિયા અને શ્રીલંકાનો ભારતવાળા ગ્રૂપમાં સમાવેશ છે. ભારત સામે શ્રીલંકાની 9મી ઑક્ટોબરે અને ઑસ્ટ્રેલિયાની 13મી ઑક્ટોબરે મૅચ છે.
શનિવારે શારજાહની જ બીજી મૅચમાં ઇંગ્લૅન્ડે (118/7)નો બાંગ્લાદેશ (97/7) સામે 21 રનથી વિજય થયો હતો.