ભારત સામેની સિરીઝ પહેલાં જ શ્રીલંકાના ઑલરાઉન્ડરે કૅપ્ટન્સી છોડી
શ્રીલંકાની ધરતી પર હેડ-કોચ ગંભીરનું ડેબ્યૂ: જયસૂર્યા શ્રીલંકાનો નવો મુખ્ય-કોચ

કોલંબો: શ્રીલંકાના સ્પિનિંગ-ઑલરાઉન્ડર વનિન્દુ હસરંગાએ આ મહિને ઘરઆંગણે ભારત સામે શરૂ થનારી સિરીઝના બે અઠવાડિયા પહેલાં કૅપ્ટન્સી છોડી દીધી છે.
તાજેતરના ટી-20 વર્લ્ડ કપમાં હસરંગાના સુકાનમાં શ્રીલંકાની ટીમ સુપર-એઇટ રાઉન્ડની પહેલાં જ સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી.
કૅપ્ટન્સી છોડી દેવા હસરંગા પર કોઈ જાતનું દબાણ હોય એવું લાગતું નહોતું, કારણકે કૅપ્ટન તરીકે હજી નવો જ હતો.
તેના સુકાનમાં શ્રીલંકા 10માંથી છ ટી-20 જીત્યું હતું. 2024ના વર્ષની શરૂઆતમાં જ શ્રીલંકા તેના નેતૃત્વમાં ઝિમ્બાબ્વે તથા અફઘાનિસ્તાન સામેની શ્રેણી જીત્યું હતું. જોકે કૅપ્ટન્સી દરમ્યાન એક મૅચમાં એક અમ્પાયરને ગાળ આપવા બદલ તેના રમવા પર બે મૅચનો પ્રતિબંધ મૂકાયો હતો.
આ પણ વાંચો : ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન નહીં જાય ભારતીય ટીમ, દુબઈ અથવા શ્રીલંકામાં શિફ્ટ થઈ શકે છે મેચ
હસરંગા લંકા પ્રીમિયર લીગ (એલપીએલ)માં કૅન્ડી ફાલ્ક્ધસનો કૅપ્ટન છે.
26 વર્ષના હસરંગાએ પાંચ વર્ષની કુલ 200 જેટલી ઇન્ટરનૅશનલ વિકેટ લીધી છે તેમ જ 1,800 જેટલા રન બનાવ્યા છે.
શ્રીલંકાના સુકાનીપદે હસરંગાના સ્થાને ચરિથ અસલન્કાનું નામ ચર્ચામાં છે. એલપીએલમાં તે જાફના કિંગ્સનો સુકાની છે.
શ્રીલંકા ખાતેના પ્રવાસ સાથે ગૌતમ ગંભીરની ભારતીય ટીમના હેડ-કોચ તરીકેની ઇનિંગ્સ શરૂ થશે. તે રાહુલ દ્રવિડનો અનુગામી બની રહ્યો છે.
સનથ જયસૂર્યા શ્રીલંકાનો નવો હેડ-કોચ છે. તે ટી-20 વર્લ્ડ કપના રકાસ બાદ ક્રિસ સિલ્વરવૂડે હોદ્દો છોડતાં જયસૂર્યાની નિયુક્તિ થઈ છે. ગયા મહિને માહેલા જયવર્દનેએ ક્ધસલ્ટન્ટ કોચનો હોદ્દો છોડી દીધો હતો.
ભારત-શ્રીલંકા સિરીઝોનું શેડ્યૂલ
તારીખ/વાર વિગત સ્થળ સમય
26 જુલાઈ/શુક્રવાર પ્રથમ ટી-20 પલ્લેકેલ સાંજે 7.00
27 જુલાઈ/શનિવાર બીજી ટી-20 પલ્લેકેલ સાંજે 7.00
29 જુલાઈ/સોમવાર ત્રીજી ટી-20 પલ્લેકેલ સાંજે 7.00
1 ઑગસ્ટ/ગુરુવાર પ્રથમ વન-ડે કોલંબો બપોરે 2.30
4 ઑગસ્ટ/રવિવાર બીજી વન-ડે કોલંબો બપોરે 2.30
7 ઑગસ્ટ/બુધવાર ત્રીજી વન-ડે કોલંબો બપોરે 2.30