Sri Lanka vs Bangladesh: બાઉન્ડરી લાઇન તરફ જઈ રહેલા બૉલને પકડવા પાંચ ફીલ્ડર દોડ્યા! ગજબની કૉમેડી થઈ

ચટગાંવ: ટીમ ગેમ હોય અને એમાં ટીમ વર્ક ન જોવા મળે તો જ નવાઈ લાગે. ફુટબૉલમાં આવું ઘણી વાર જોવા મળે છે. કોઈ ખેલાડી ફુટબૉલને કિક મારે એટલે ગોલ થતો બચાવવા કે બૉલને ડેન્જર એરિયામાં જતો રોકવા હરીફ ટીમના બે-ચાર કે પાંચ ખેલાડીઓ બૉલની દિશામાં દોડવા લાગે છે. ફુટબૉલમાં આવી ઘટના સાવ સામાન્ય કહેવાય, પણ ક્રિકેટમાં એવું જોવા મળે એ તો નવાઈ જ કહેવાય.
ભારતમાં સૌથી લોકપ્રિય ક્રિકેટની રમત પણ ટીમ ગેમ જ છે અને એમાં મંગળવારે ફુટબૉલની ઘટનાનું રીરન જોવા મળ્યું. શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટમાં શ્રીલંકાના બીજા દાવ દરમ્યાન બાંગ્લાદેશી બોલર હસન મહમૂદે બૅક-ઑફ-લેન્ગ્થ બૉલ ફેંક્યો જેમાં શ્રીલંકન બૅટર પ્રભાત જયસૂર્યાએ ગલીના સ્થાન તરફથી બૉલને બાઉન્ડરી લાઇન તરફ મોકલ્યો હતો. જોકે ત્યાર પછી જે કંઈ બન્યું એ ક્રિકેટ માટે અભૂતપૂર્વ જ કહેવાય.
આ પણ વાંચો: ભારત, ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડ કઈ ટૂર્નામેન્ટને સજીવન કરવાના પ્રયાસમાં છે?
બાંગ્લાદેશી ફીલ્ડરોના આ પ્રયાસથી કૉમેડી થઈ ગઈ. શૉટ લાગતાં જ બૉલ બાઉન્ડરી લાઇન તરફ જઈ રહ્યો હતો ત્યારે સ્લિપના ચાર ફીલ્ડર અને બૅકવર્ડ પૉઇન્ટ પરના એક ફીલ્ડર સહિત તમામ પાંચેય ફીલ્ડર બૉલ પકડવા દોડ્યા હતા. આ ઘટનાનો વીડિયો વાઇરલ થયો છે અને વીડિયો જોનાર દરેક વ્યક્તિને ખડખડાટ હસાવી દે એવી આ ઘટનામાં પાંચેય ફીલ્ડર વચ્ચે જાણે રેસ શરૂ થઈ હોય એવું દૃશ્ય સર્જાયું હતું. પૉઇન્ટ પરથી દોડેલો ફીલ્ડરે બૉલ પર કબજો કરવામાં વિજય પ્રાપ્ત કર્યો હતો. તેણે બૉલ સ્લિપમાંથી આવેલા એક ફીલ્ડરને બૉલ પાસ કર્યો હતો જેણે છેવટે બૉલને વિકેટકીપર તરફ ફેંક્યો હતો. નવાઈની વાત એ છે કે બધા આ બૉલ લેવા દોડ્યા હતા એવી ટ્યૂબલાઇટ થઈ હોવા છતાં ફીલ્ડરોને આશ્ર્ચર્ય જેવું કંઈ નહોતું થયું.
આ પણ વાંચો: રોહિતનો ચાહક મેદાન પર દોડી આવ્યો, પણ જો હાર્દિકને મારવા કોઈ તોફાની આવી ગયો હોત તો?
શ્રીલંકાએ આ ટેસ્ટ 192 રનના તોતિંગ લક્ષ્યાંકથી જીતીને 2-0ના વ્હાઇટવૉશ સાથે ટ્રોફી જીતી લીધી હતી. શ્રીલંકાનો ઑલરાઉન્ડર કામિન્ડુ મેન્ડિસ મૅન ઑફ ધ મૅચ અને મૅન ઑફ ધ સિરીઝ બન્યો હતો.