પલ્લેકેલ: શનિવાર, 27મી જુલાઈએ ભારત સામે શરૂ થનારી ત્રણ મૅચની ટી-20 સિરીઝ માટે શ્રીલંકાએ 16 ખેલાડીઓની ટીમ જાહેર કરી છે. આ ટીમનું સુકાન ચરિથ અસલન્કાને સોંપવામાં આવ્યું છે. ભારત સામે અગાઉ સારુ રમેલા અને હવે શ્રીલંકાને જિતાડી શકે એવા એક ખેલાડીએ ટીમમાં કમબૅક કર્યું છે, જ્યારે 21 વર્ષના એક નવા ખેલાડીને ટીમમાં સ્થાન મળ્યું છે.
અસલન્કા છે શ્રીલંકાની ટી-20 ટીમનો નવો કૅપ્ટન. સ્પિન-ઑલરાઉન્ડર વનિન્દુ હસરંગાએ તાજેતરમાં અચાનક ટી-20ની કૅપ્ટન્સી છોડી એને પગલે અસલન્કા પર કૅપ્ટન્સીનો કળશ ઢોળવામાં આવ્યો છે. આ વર્ષની શરૂઆતમાં હસરંગાને બંગલાદેશ સામેની બે ટી-20માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો ત્યારે અસલન્કાને જ કાર્યવાહક કૅપ્ટન બનાવાયો હતો. જોકે હવે તેને રેગ્યુલર કૅપ્ટન બનાવવામાં આવ્યો છે.
જેમ સૂર્યકુમાર યાદવ ભારતનો નવો ટી-20 સુકાની છે એમ અસલન્કા શ્રીલંકાની ટીમ-20 ટીમનો નવો કર્ણધાર છે. અસલન્કા અગાઉ શ્રીલંકાની અન્ડર-19 ટીમનો સુકાની હતો અને હજી ગયા અઠવાડિયે જ તેની કૅપ્ટન્સીમાં લંકા પ્રીમિયર લીગ (એલપીએલ)માં જાફના કિંગ્સે ટાઇટલ જીતી લીધું હતું.
જેમ ગૌતમ ગંભીર ભારતીય ટીમનો નવો હેડ-કોચ છે એમ સનથ જયસૂર્યા શ્રીલંકાનો નવો હેડ-કોચ બન્યો છે.
શ્રીલંકાના સિલેક્ટરોએ તાજેતરના ટી-20 વર્લ્ડ કપમાં શ્રીલંકાના ખરાબ પર્ફોર્મન્સને ધ્યાનમાં રાખીને અનુભવી અને યુવા, બન્ને પ્રકારના ખેલાડીઓના સંતુલિત સમાવેશ સાથે ટીમ સિલેક્ટ કરી છે.
ઑલરાઉન્ડરો ઍન્જેલો મૅથ્યૂઝ, ધનંજય ડિસિલ્વા તેમ જ વિકેટકીપર સદીરા સમરાવિક્રમા તથા લેફ્ટ-આર્મ પેસ બોલર દિલશાન મદુશન્કાને પડતા મૂકવામાં આવ્યા છે અને 34 વર્ષનો દિનેશ ચંદીમલ જે છેલ્લે ફેબ્રુઆરી, 2022માં ટી-20 રમ્યો હતો તેને તેમ જ કુસાલ પરેરાને ટીમમાં સમાવાયો છે. નવા ઑલરાઉન્ડર ચામિન્ડુ વિક્રમાસિંઘેને પહેલી વાર શ્રીલંકા વતી રમવાનો મોકો અપાઈ રહ્યો છે.
શ્રીલંકાની ટી-20 ટીમ: ચરિથ અસલન્કા (કૅપ્ટન), પથુમ નિસન્કા, કુસાલ પરેરા (વિકેટકીપર), કુસાલ મેન્ડિસ (વિકેટકીપર), અવિષ્કા ફર્નાન્ડો, દિનેશ ચંદીમલ, કામિન્ડુ મેન્ડિસ, દાસુન શનાકા, વનિન્દુ હસરંગા, દુનિથ વેલાલાગે, માહીશ થીકશાના, ચામિન્ડુ વિક્રમાસિંઘે, મથીશા પથિરાના, નુવાન થુશારા, દુષ્મન્થા ચમીરા અને બિનુરા ફર્નાન્ડો.