2025ની પહેલી ટી-20 મેચમાં બન્યા 429 રનઃ શ્રીલંકાએ કિવિઓને આપી હાર
નેલ્સનઃ શ્રીલંકાએ ત્રીજી અને છેલ્લી ટી-20 મેચમાં ન્યૂ ઝીલેન્ડને 7 રને હરાવ્યું હતું. વર્ષ 2025ની પ્રથમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. આ હાઈ સ્કોરિંગ મેચના પરિણામ માટે છેલ્લી ઓવર સુધી રાહ જોવી પડી હતી. ન્યૂ ઝીલેન્ડને છેલ્લી ઓવરમાં જીતવા માટે 22 રનની જરૂર હતી, પરંતુ શ્રી લંકાના બોલર બિનુરા ફર્નાન્ડોએ ન્યૂઝીલેન્ડની આશા પર પાણી ફેરવી દીધું હતું. જોકે મેચ હારવા છતાં ન્યૂ ઝીલેન્ડે 2-1થી ટી-20 સીરિઝ જીતી હતી. ન્યૂઝીલેન્ડે પ્રથમ મેચ 8 રને અને બીજી મેચ 45 રને જીતી હતી.
શ્રી લંકા તરફથી કુસલ પરેરાએ શાનદાર 44 બોલમાં સદી ફટકારી હતી. તેણે કેપ્ટન ચરિત અસલંકા સાથે સદીની ભાગીદારી કરી હતી. શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 218 રન કર્યા હતા જે ટી-20માં તેનો બીજો સર્વોચ્ચ સ્કોર છે. આ પહેલા શ્રી લંકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
આ પણ વાંચો: IND VS AUS: પાંચમી ટેસ્ટ અંગે ટીમ માટે કમિન્સે કહ્યું ‘અમારી ઊર્જામાં કોઈ ઘટાડો થશે નહીં’
ન્યૂ ઝીલેન્ડની ટીમ સાત વિકેટે 211 રન જ કરી શકી હતી જેમાં રચિન રવિન્દ્રએ 39 બોલમાં 69 રનનું યોગદાન આપ્યું હતું. ન્યૂ ઝીલેન્ડની શરૂઆત ખૂબ જ સારી રહી હતી અને તેણે પાવરપ્લેની છ ઓવરમાં વિના વિકેટે 60 રન કર્યા હતા. અસલંકાએ રવિન્દ્ર, માર્ક ચેપમેન (નવ) અને ગ્લેન ફિલિપ્સ (છ)ને આઉટ કર્યા હતા. અસલંકાએ 25 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી પરંતુ ડેરિલ મિશેલે તેની છેલ્લી ઓવરમાં સતત ચાર છગ્ગા ફટકાર્યા હતા.
વાનિન્દુ હસરંગાએ 16મી ઓવરમાં મિશેલ હેય (આઠ) અને માઈકલ બ્રેસવેલ (1)ને પેવેલિયન મોકલી દીધા હતા. ન્યૂ ઝીલેન્ડને છેલ્લી ઓવરમાં 22 રનની જરૂર હતી. પ્રથમ ત્રણ બોલ પર છ રન કર્યા બાદ જેક્સ ફોક્સે ચોથા બોલ પર સિક્સર ફટકારી હતી. ન્યૂ ઝીલેન્ડને છેલ્લા બે બોલ પર 10 રનની જરૂર હતી પરંતુ તેના બેટ્સમેન્સ માત્ર ત્રણ રન કરી શક્યા હતા.