સ્પોર્ટસ

આઇપીએલના ક્રિકેટોત્સવ વચ્ચે શ્રીલંકાએ તોડ્યો ભારતનો રેકૉર્ડ

ચટગાંવ: આઇપીએલની 17મી સીઝન ત્રીજા અઠવાડિયામાં પ્રવેશી ચૂકી છે અને કરોડો ક્રિકેટપ્રેમીઓ ક્રિકેટના આ વાર્ષિક મહોત્સવમાં મશગૂલ છે ત્યારે ચટગાંવમાં શ્રીલંકાએ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મૅચ દરમ્યાન ભારતનો 48 વર્ષ જૂનો વિક્રમ તોડીને અસંખ્ય ક્રિકેટલવર્સનું ધ્યાન પોતાની તરફ વાળ્યું છે.

શ્રીલંકા-બાંગ્લાદેશ ટેસ્ટના બે દિવસ પૂરા થયા છે. શ્રીલંકાના પ્રથમ દાવના 531 રન સામે બાંગ્લાદેશે પંચાવન રનમાં એક વિકેટ ગુમાવી છે.

શ્રીલંકાએ પહેલા દાવમાં 531 રનનો તોતિંગ સ્કોર નોંધાવ્યો હોવા છતાં શ્રીલંકાનો એકેય બૅટર 100 રનની ભાગીદારી નથી કરી શક્યો અને એમાં જ ભારતનો વિશ્ર્વવિક્રમ તૂટ્યો છે.

આ પહેલાં, ટેસ્ટના એક દાવમાં સેન્ચુરી પાર્ટનરશિપ વિનાના ટીમના સૌથી મોટા સ્કોર્સમાં ભારતનો 524/9નો સ્કોર હાઈએસ્ટ હતો જે હવે શ્રીલંકાએ 531 રનના સ્કોર સાથે તોડ્યો છે.

ભારતે એ 524 રન 1976માં (48 વર્ષ પહેલાં) કાનપુરમાં ન્યૂ ઝીલૅન્ડ સામે બનાવ્યા હતા. એમાં ભારતની એકેય સેન્ચુરી પાર્ટનરશિપ નહોતી.

બાંગ્લાદેશ સામેની શ્રીલંકાની ઇનિંગ્સમાં કુલ છ હાફ સેન્ચુરી હતી જેમાં કુસાલ મેન્ડિસના 93 રન હાઈએસ્ટ હતા અને કામિન્ડુ મેન્ડિસના અણનમ 92 રન સાથે આઠ રન માટે સદી ચૂકી ગયો હતો.
બાંગ્લાદેશ વતી શાકિબ અલ હસને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button