શ્રીલંકાએ ઝિમ્બાબ્વેને 82માં ઑલઆઉટ કરીને સિરીઝ જીતી લીધી
કોલંબો: શ્રીલંકાએ ગુરુવારે ઝિમ્બાબ્વેને ત્રીજી અને છેલ્લી ટી-20માં પંચાવન બૉલ બાકી રાખીને નવ વિકેટના માર્જિનથી હરાવવાની સાથે સિરીઝ 2-1થી જીતી લીધી હતી. વનિન્દુ હસરંગા આ મૅચનો હીરો હતો, કારણકે તેણે 15 રનમાં ચાર વિકેટ લીધી એને લીધે પ્રવાસી ટીમ માત્ર 82 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. મૅથ્યૂઝ અને થીકશાનાએ બે-બે વિકેટ લીધી હતી. ઝિમ્બાબ્વેનો સ્કોર છઠ્ઠી ઓવરમાં 51 રન હતો અને બે જ વિકેટ પડી હતી, પરંતુ પછીની નવ ઓવરમાં 82 રન સુધીમાં બાકીની આઠ વિકેટ પડી ગઈ હતી.
શ્રીલંકાએ ફક્ત 10.5 ઓવરમાં એક જ વિકેટના ભોગે 88 રન બનાવીને વિજય મેળવ્યો હતો. પાથુમ નિસન્કાએ અણનમ 39 રન બનાવ્યા હતા, જ્યારે કુસાલ મેન્ડિસ 33 રનનો ફાળો આપ્યો હતો. શ્રેણીમાં કુલ 112 રન બનાવવા ઉપરાંત બે વિકેટ પણ લેવા બદલ મૅથ્યુઝને મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર અપાયો હતો.
પ્રથમ મૅચ શ્રીલંકાએ ત્રણ વિકેટના માર્જિનથી મૅચના છેલ્લા બૉલે જીતી લીધી હતી. બીજી મૅચમાં ઝિમ્બાબ્વેનો એક બૉલ રાખીને ચાર વિકેટના તફાવતથી વિજય થયો હતો. એ અગાઉ, શ્રીલંકાએ વન-ડે સિરીઝ 2-0થી જીતી લીધી હતી.