સ્પોર્ટસ

શ્રીલંકાએ વન-સાઇડેડ મૅચમાં ઓમાનને 105 રનથી હરાવ્યું

પલ્લેકેલઃ યજમાન શ્રીલંકાએ ગુરુવારે અહીં ઓમાન (Oman) સામેની મૅચમાં પાંચ વિકેટે 225 રન કર્યા પછી ઓમાનને 20 ઓવરમાં 9/105 સુધી સીમિત રાખીને 105 રનથી વિજય મેળવ્યો હતો.

વન-સાઇડેડ બનેલી આ મૅચમાં પવન રત્નાયકે (60 રન, 28 બૉલ, એક સિક્સર, આઠ ફોર), કુસાલ મેન્ડિસ (61 રન, 45 બૉલ, સાત ફોર) અને કૅપ્ટન દાસુન શનાકા (50 રન, 20 બૉલ, પાંચ સિક્સર, બે ફોર)ની હાફ સેન્ચુરીની મદદથી શ્રીલંકા (SriLanka)એ પ્રથમ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં પાંચ વિકેટે 225 રન કર્યા હતા. ઓમાનના ભારતીય મૂળના લેફ્ટ-આર્મ પેસ બોલર જિતેન રમાનંદીએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી.

ઓમાને જવાબમાં જે ફક્ત 105 રન કર્યા એમાં એકમાત્ર મોહમ્મદ નદીમ (53 અણનમ, 56 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર)ની હાફ સેન્ચુરી સામેલ હતી. શ્રીલંકન બોલર્સે બીજા બૅટ્સમેનોને બાંધીને રાખ્યા હતા અને સમયાંતરે વિકેટ લઈને છેવટે તેમને 105 રન સુધી સીમિત રાખ્યા હતા.

શ્રીલંકાના દુશ્મન્થા ચમીરા તથા આઇપીએલના અનુભવી માહીશ થીકશાનાએ બે-બે વિકેટ લીધી હતી. પવન રત્નાયકેને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button