સ્પોર્ટસ

હૈદરાબાદ કોને રીટેન કરશે? કોને હરાજી માટે છૂટો કરી શકે?

હૈદરાબાદઃ 2025ની આઇપીએલની સીઝનમાં 14 મૅચમાંથી સાત મૅચ હારી જવાને કારણે છેક છઠ્ઠા નંબર પર રહેલી સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ટીમ બહુચર્ચિત પેસ બોલર મોહમ્મદ શમી લખનઊ સુપર જાયન્ટ્સને ટ્રેડના ડીલના ભાગરૂપે 10 કરોડ રૂપિયામાં આપી દેવાની તૈયારીમાં છે.

ત્યારે શુક્રવારે વધુ એક અહેવાલ એ મળ્યો હતો કે આગામી 16મી ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાનારા મિની-ઑક્શન માટે એક સમયના વિસ્ફોટક બૅટ્સમૅન અને 23 કરોડ રૂપિયાની કિંમતવાળા હિન્રિક ક્લાસેનને હરાજી માટે છૂટો કરી દેશે. બીજી વાત એ જાણવા મળી હતી કે હૈદરાબાદનું ફ્રૅન્ચાઇઝી ટી-20 ઇન્ટરનૅશનલના વર્લ્ડ નંબર-વન બૅટ્સમૅન અભિષેક શર્માને તેમ જ ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડીને રીટેન કરશે.

તમામ 10 ટીમો કયા ખેલાડીઓને પોતે 2026ની આઇપીએલ માટે રીટેન કરશે અને કોને રિલીઝ કરશે એનું લિસ્ટ શનિવાર, 15મી નવેમ્બરે બપોરે 3.00 વાગ્યા સુધીમાં આઇપીએલ (IPL)ના મોવડીઓને આપી દેવું પડશે.

અભિષેક અને નીતીશ, બન્ને ખેલાડી ભારતીય ટી-20ના સેટ-અપનો હિસ્સો છે. તેમના ઉપરાંત ઑસ્ટ્રેલિયાના ટ્રૅવિસ હેડ, વિકેટકીપર-બૅટ્સમૅન ઇશાન કિશન, પૅટ કમિન્સ, તેમ જ ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ તથા અંકિત વર્મા અને રવિચન્દ્રન સ્મરણ જેવા ખેલાડીઓને પણ સ્ક્વૉડમાં જાળવી રાખશે એવી પાકી સંભાવના છે.

હૈદરાબાદની ટીમમાં મોટા પાયે ફેરફાર થવાની શક્યતા વચ્ચે એવું મનાય છે કે કાવ્યા મારનનું આ ફ્રૅન્ચાઇઝી હિન્રિક ક્લાસેન ઉપરાંત હર્ષલ પટેલ, ઍડમ ઝૅમ્પા, સિમરનજીત સિંહ, કામિન્ડુ મેન્ડિસ, અથર્વ તાયડે, અભિનવ મનોહર, સચિન બૅબી, વિઆન મુલ્ડર, હર્ષ દુબે, રાહુલ ચાહર, ઝિશાન અન્સારી અને ઇશાન મલિન્ગાને પણ મિની-ઑક્શન માટે રિલીઝ કરી દેશે.

આ પણ વાંચો…આઈપીએલના વધુ એક ખેલાડી વિરુદ્ધ બળાત્કારનો મહિલા ક્રિકેટરનો આક્ષેપ, પ્લેયરે સામી એફ.આઇ.આર નોંધાવી

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button