હરભજને લલિત મોદીને સંભળાવી દીધું, `મને તો ખેદ છે, પણ તમે સ્વાર્થી છો' | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

હરભજને લલિત મોદીને સંભળાવી દીધું, `મને તો ખેદ છે, પણ તમે સ્વાર્થી છો’

નવી દિલ્હીઃ 14 વર્ષથી લંડનમાં રહેતા આઇપીએલના ભૂતપૂર્વ અધ્યક્ષ લલિત મોદી (LALIT MODI)એ 2008ની આઇપીએલમાં હરભજન સિંહે (HARBHAJAN SINGH) પેસ બોલર એસ. શ્રીસાન્ત (SREESANTH)ને થપ્પડ મારવાની ઘટનાને તાજેતરના એક ઇન્ટરવ્યૂ મારફત ફરી ચગાવી એ સામે શ્રીસાન્તની પત્ની ભુવનેશ્વરીએ લલિત મોદી પર ગુસ્સો ઊતર્યો અને લલિત મોદીએ એનો જવાબ પણ આપ્યો, પરંતુ હવે એ ઘટનાના મુખ્ય પાત્ર હરભજન સિંહે પણ ઝુકાવ્યું છે. ભજ્જીએ એક પૉડકાસ્ટ પરની વાતચીતમાં લલિત મોદીને સ્વાર્થી કહ્યા છે.

ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ક્રિકેટર માઇકલ ક્લાર્કને ઇન્ટરવ્યૂમાં થપ્પડ-પ્રકરણ વિશેનો દુર્લભ વીડિયો ફૂટેજ લલિત મોદીએ બતાવ્યો અને એ ઘટનાની ઝીણી-ઝીણી વાતો કરી એ સામે શ્રીસાન્તની પત્ની ભુવનેશ્વરીએ સોશ્યલ મીડિયા પર પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે ` મારા પતિ શ્રીસાન્ત તેમ જ હરભજન સિંહ 18 વર્ષ પહેલાંની ઘટનાને હવે ભૂલી પણ ગયા છે.

આપણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ અંગે ક્રિકેટર્સ થયા વ્યથિતઃ સોશિયલ મીડિયા પર યુસુફ પઠાણથી લઈને હરભજન સિંહે શું કહ્યું? જાણો

હરભજને માફી પણ માગી લીધી હતી, પરંતુ તમે બન્ને (લલિત મોદી અને ક્લાર્ક) એ જૂના વિવાદને ફરી ચગાવી રહ્યા છો. લલિત મોદી અને માઇકલ ક્લાર્ક, શરમ કરો. તમારામાં માણસાઈ જેવું કંઈ છે કે નહીં.’

લલિત મોદીએ ભુવનેશ્વરી વિશે કહ્યું કે ` શ્રીસાન્તની પત્ની કેમ આટલી બધી ગુસ્સે થાય છે એ જ મને નથી સમજાતું. મને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું અને મેં સાચો જવાબ આપ્યો હતો અને મારા સિક્યૉરિટી કૅમેરામાં કેદ થયેલી 2008ની ઘટનાનો ફૂટેજ બહાર પાડ્યો. એમાં મેં ખોટું શું કર્યું.’

જોકે હરભજન સિંહે સોમવારે પૉડકાસ્ટમાં કહ્યું, ` જે રીતે જૂની ઘટનાનો આ વીડિયો બહાર લાવવામાં આવ્યો છે એ ઠીક ન કહેવાય. 18 વર્ષ પહેલાંની ઘટના બધા હવે સાવ ભૂલી ગયા છે. મને એ કૃત્ય બદલ હજી આજે પણ અફસોસ છે અને શરમ અનુભવું છું. આ વીડિયો આટલા વખતે બહાર પાડવા પાછળ જરૂર લલિત મોદીનો કોઈ સ્વાર્થ હશે.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button