12 વર્ષે શ્રીસાન્ત પર ફરી પ્રતિબંધ, ફિક્સિંગની વાત ફરી ચગાવાઈઃ જાણો, શું છે આખો મામલો…

નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ પેસ બોલર અને આઇપીએલમાં રાજસ્થાન રૉયલ્સ, ગુજરાત જાયન્ટ્સ, કોચી ટસ્કર્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વતી રમી ચૂકેલો શાંતાકુમારન શ્રીસાન્ત (એસ. શ્રીસાન્ત) પર ત્રણ વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ મામલો સંજુ સૅમસન (SANJU SAMSON) સાથે જોડાયેલો છે. આવો, જાણીએ શું છે આખો મામલો?
આ મામલો તાજેતરની વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી માટેની ભારતીય સ્ક્વૉડમાં સંજુ સૅમસનનો સમાવેશ ન કરવા સંબંધિત છે.
કેરળ ક્રિકેટ ઍસોસિયેશન (KCA)નું કહેવું છે કે શ્રીસાન્તે (SREESANTH) ક્રિકેટ બોર્ડ પર ઉપજાવી કાઢેલા અને અપમાનજનક આરોપ મૂક્યા હતા.
ઉલ્લેખનીય છે કે શ્રીસાન્ત હાલમાં કેરળ ક્રિકેટ લીગ (KCL)માં કોલ્લમ એરીઝ ટીમનો સહ-માલિક છે. આ કિસ્સામાં શ્રીસાન્તની ટીમને પણ કારણદર્શક નોટિસ મોકલવામાં આવી છે. આ નિર્ણય 30મી એપ્રિલે કોચીમાં યોજાયેલી બોર્ડ મીટિંગમાં લેવામાં આવ્યો હતો.
ભારતની બે વર્લ્ડ કપ વિજેતા ટીમમાં રહી ચૂકેલા શ્રીસાન્તે ટીવી પર એક મલયાલમ ચૅનલને ચર્ચા દરમ્યાન સંજુ સૅમસન અને કેસીએના સંબંધો વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.
કેસીએ દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું છે જેમાં જણાવાયું છે કે શ્રીસાન્તને કારણદર્શક નોટિસ સૅમસનનું સમર્થન કરવા બદલ નહીં, પણ કેસીએ વિશે ખોટા અને અપમાનજનક પ્રતિક્રિયા બદલ મોકલવામાં આવી છે.
ટીવી પરની ચર્ચા દરમ્યાન શ્રીસાન્તે સૅમસન અને અન્ય ક્રિકેટરોને પૂરો ટેકો આપવાનું વચન આપ્યું હતું તેમ જ સાથોસાથ તેણે કેસીએની વિરુદ્ધમાં આરોપ પણ લગાવ્યા હતા. આ આરોપોના જવાબમાં કેસીએ દ્વારા 12 વર્ષ પહેલાંના આઇપીએલમાંના સ્પૉટ ફિક્સિંગ (SPOT FIXING)ના કિસ્સાનો મુદ્દો પણ છેડવામાં આવ્યો હતો.
યાદ અપાવીએ કે 2013માં સ્પૉટ ફિક્સિંગના મામલામાં શ્રીસાન્ત પર ઘણા વર્ષો સુધી બૅન મૂકવામાં આવ્યો હતો અને એને પગલે તેની કરીઅર પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું હતું.
શ્રીસાન્તે વિવાદાસ્પદ ટિપ્પણી એ કરી કે કેરળ ક્રિકેટ ઍસોસિયેશને વિજય હઝારે ટ્રોફીની સ્ક્વૉડમાંથી સૅમસનને બહાર રાખ્યો હતો.
ત્યારે એવું કહેવાયું હતું કે વિજય હઝારે ટ્રોફીમાં ન રમવાને કારણે સૅમસને ભારતની ચૅમ્પિયન્સ ટ્રોફીની ટીમમાંથી પણ હાથ ધોઈ નાખવા પડ્યા હતા. સૅમસન એમાં ન રમી શક્યો એ વાત અલગ છે, પરંતુ રોહિત શર્માના સુકાનમાં ભારતીય ટીમે ફાઇનલમાં ન્યૂ ઝીલૅન્ડને ચાર વિકેટે હરાવીને ટાઇટલ જીતી લીધું હતું.
આપણ વાંચો: આઈપીએલની 50મી મૅચમાં નંબર-વન મુંબઈનો 100 અને 200ના આંકડાનો જાદુ, જાણો કેવી રીતે…