બેન્ગલૂરુ: પુરુષ ખેલાડીઓની આઇપીએલ રમાયા પછી હવે મેન્સ ટી-20 વર્લ્ડ કપ ક્લાઇમૅક્સના તબક્કામાં પ્રવેશી રહ્યો છે ત્યારે ભારતીય મહિલા ક્રિકેટર્સ પણ મેદાન પર ઊતરવાની તૈયારીમાં છે. રવિવાર, 16મી જૂને બેન્ગલૂરુમાં કૅપ્ટન હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) અને વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના (Smriti Mandhana)ની આગેવાનીમાં ભારતીય ટીમ (India) ઘરઆંગણે સાઉથ આફ્રિકા (South Africa) સામે ત્રણ અઠવાડિયાના ક્રિકેટ-જંગનો આરંભ કરશે.
બન્ને દેશ વચ્ચે ત્રણેય ફૉર્મેટની સિરીઝ રમાવાની છે અને એની શરૂઆત રવિવારે પ્રથમ વન-ડેથી થશે.
ટી-20ના આ વર્ષમાં વન-ડે શ્રેણી થોડી નવાઈની વાત કહેવાય. જોકે ભારતીય મહિલા ખેલાડીઓ સાઉથ આફ્રિકા સામે ત્રણ વન-ડે બાદ એક ટેસ્ટ અને ત્રણ ટી-20 પણ રમવાની છે. આ સિરીઝોની મૅચો બેન્ગલૂરુ અને ચેન્નઈમાં જ રમાવાની છે.
આગામી જુલાઈમાં શ્રીલંકામાં મહિલા ક્રિકેટર્સનો ટી-20 એશિયા કપ અને ઑક્ટોબરમાં બાંગલાદેશમાં મહિલાઓનો ટી-20 વર્લ્ડ કપ રમાવાનો છે.
આ પણ વાંચો : ભૂલની સજા કે કેપ્ટન સાથે અણબનાવ! શુભમન ગિલને ભારત પરત મોકલાયો
હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય મહિલા ટીમ આ વર્ષની શરૂઆતમાં ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે વન-ડે અને ટી-20 સિરીઝ હારી ગઈ હતી, પરંતુ પછીથી તેમણે બાંગલાદેશને ટી-20 શ્રેણીમાં 5-0થી હરાવીને જોશ અને ઝનૂન પાછા મેળવી લીધા હતા. અમોલ મુઝુમદાર ભારતની મહિલા ટીમનો હેડ-કોચ છે. ટી-20માં ભારતીય ટીમ વિશ્ર્વમાં ત્રીજા અને સાઉથ આફ્રિકા પાંચમા નંબરે છે. વન-ડેમાં સાઉથ આફ્રિકા ત્રીજે અને ભારત પાંચમે છે.
સ્મૃતિ મંધાના બન્ને ફૉર્મેટની બૅટર્સમાં પાંચમા સ્થાને છે. દીપ્તિ શર્મા બોલિંગમાં ટી-20માં નંબર-ટૂ અને વન-ડેમાં નંબર-ફાઇવ છે.
બૅટર જેમાઇમા રૉડ્રિગ્સ પીઠના દુખાવાને કારણે બાંગલાદેશ સામે નહોતી રમી. જોકે હવે તેની પેસ બોલર પૂજા વસ્ત્રાકરની ફિટનેસ પર સૌની નજર રહેશે.
સાઉથ આફ્રિકાની બૅટર તથા કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટની ટી-20માં ચોથી અને વન-ડેમાં ત્રીજી રૅન્ક છે.
ભારતીય ટીમમાં હરમનપ્રીત અને સ્મૃતિ મંધાના ઉપરાંત શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, જેમાઇમા રૉડ્રિગ્સ, પૂજા વસ્ત્રાકર, રિચા ઘોષ (વિકેટકીપર), ઉમા ચેત્રી (વિકેટકીપર), દયાલન હેમલતા, રાધા યાદવ, આશા શોભના, શ્રેયંકા પાટીલ, સૈકા ઇશાક, રેણુકા સિંહ, અરુંધતી રેડ્ડી અને પ્રિયા પુનિયાનો સમાવેશ છે.