કુસ્તીમાં અયોગ્ય જાહેર થયેલી વિનેશ પર આવી બહેનની પ્રતિક્રિયા, કહી દીધું કે…..
પેરિસ ઓલિમ્પિકમાં વધુ વજન હોવાના કારણે અયોગ્ય જાહેર થયેલી ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે કુસ્તીમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. વિનેશના આ નિર્ણય બાદ તેના કાકા મહાવીર ફોગાટે તેને તેનો નિર્ણય પાછો ખેંચવા કહ્યું હતું. હવે તેની બહેન બબીતા ફોગાટની પણ પ્રતિક્રિયા આવી છે. તેણે જણાવ્યું છે કે વિનેશના આ નિર્ણયથી અમે બધા દુઃખી છીએ.
બબીતા ફોગાટે કહ્યું હતું કે વિનેશે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેના આ નિર્ણયથી હું અને મારો પરિવાર જ નહીં પરંતુ સમગ્ર દેશ દુઃખી છે. અમે વિનેશને હિંમત આપીશું કે અમે તારી સાથે ઊભા છીએ. આખો દેશ તારી પડખે છે. અમે તેની સાથે વાત કરીશું અને તેને ફરીથી મેદાનમાં લાવીશું અને તેને 2028 ઓલિમ્પિક રમવા માટે હિંમત આપીશું.
વિનેશ સાથે ષડયંત્ર રચાયું હોવાની ચર્ચા અંગે બોલતા બબીતાએ જણાવ્યું હતું કે, આમાં કોઇ ષડયંત્ર નથી. 2012માં 200 ગ્રામ વધારે વજન હોવાને કારણે હું પોતે એશિયન ચેમ્પિયનશીપમાંથી બાકાત થઇ ગઇ હતી. ભૂતકાળમાં પણ ઘણા ખેલાડીઓ વધારે વજનના કારણે સ્પર્ધામાંથી બાકાત થઈ ગયા છે. આમાં કોઈ પણ પ્રકારનું ષડયંત્ર નથી. આ ગેમ્સના નિયમ છે.
આ સમગ્ર પ્રકરણમાં દેશમાં રાજનીતિ ચાલી રહી છે. વિનેશને રાજ્યસભાના ઉમેદવાર બનાવવાના ભૂપેન્દ્ર હુડ્ડાના નિવેદન પર બબીતા ફોગાટે કહ્યું હતું કે હું હુડ્ડાજીને પૂછવા માંગુ છું કે, તમે તમારા દસ વર્ષના કાર્યકાળમાં કેટલા ખેલાડીઓને રાજ્યસભામાં મોકલ્યા? હું ભૂપેન્દ્ર હુડ્ડા અને દીપેન્દ્ર હુડ્ડા બંનેને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે અમારા પરિવારને તોડવાનું બંધ કરો. પરિવારને લઈને રાજનીતિ ન કરો. રાજનીતિ કરવી હોય તો મેદાનમાં જાવ અને કરો, આ પરિવાર તોડીને રાજનીતિ ન કરો.
ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ યોગેશ્વર દત્તે વિનેશ ફોગાટની કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, વિનેશ ફોગાટની ગેરલાયકાતથી દેશને નુકસાન થયું છે. આ તદ્દન દુર્ભાગ્યપૂર્ણ છે. આનાથી વિનેશને સૌથી વધુ દુઃખ થયું છે અને આ પીડા તેના કરતાં વધુ સારી રીતે કોઈ સમજી શકે તેમ નથી. વિનેશે નિવૃત્તિ ન લેવી જોઈએ. તેણે દેશ માટે રમવું જોઈએ. તેણી રમી શકે છે. તેઓએ તેમના નિર્ણય પર ફેરવિચાર કરવો જોઇએ.
નોંધનીય છે કે વિનેશ ફોગાટને બુધવારે તેના 100 ગ્રામ વજનના કારણે પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. બુધવારે વિનેશનું વજન તેની નિર્ધારિત 50 કિલોની શ્રેણી કરતા 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. મંગળવારે સવારે વિનેશનું વજન માપવામાં આવ્યું તો 49.90 કિલોગ્રામ હતું , જે તેની 50 કિલોની શ્રેણી માટે યોગ્ય હતું, પણ અહેવાલો અનુસાર સેમિફાઇનલ મેચ રમ્યા બાદ તેને એનર્જી માટે ફૂડ આપવામાં આવ્યું, જેના કારણે તેનું વજન વધીને 52.70 કિલોગ્રામ થઈ ગયું હતું. આ પછી વિનેશની મેડિકલ ટીમે આખી રાત વિનેશનું વજન ઘટાડવાનો પ્રયાસ કર્યો. તેને આખી રાત કસરત કરાવવામાં આવી. તેણે આખી રાત સ્કિપિંગ અને સાયકલીંગ કર્યું. સૌના સ્નાન પણ કર્યું. નખ પણ કાપી નાખ્યા, વાળ પણ કપાવીને ટૂંકા કરી નાખ્યા. આ બધાને કારણે વિનેશનુ વજન ઘટ્યું તો ખરું, પણ 50. 100 કિલોગ્રામ પર અટકી ગયું અને વિનેશ જીતેલી બાજી હારી ગઇ.
ગગન નારંગ, દિનશા પારડીવાલા, વિનેશના પતિ, ફિઝિયો, મેડિકલ સ્ટાફ, IOA અધિકારીઓ, OGQ (ઓલિમ્પિક ગોલ્ડ ક્વિઝ) એ વિનેશનું વજન ઘટાડવા માટે રાતભર પ્રયાસો કર્યા હતા. ડૉ. પારડીવાલાએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે અમે વિનેશની જાન જોખમમાં મૂકી શકીએ નહીં.