નીરજ ચોપરા પુત્ર સમાન છે, મનુ ભાકરના પિતાએ લગ્નની અફવાઓ પર પુર્ણ વિરામ લગાવ્યું

ભારત માટે પેરિસ ઓલિમ્પિક ગેમ્સ 2024માં બે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા, નીરજ ચોપરા અને મનુ ભાકર સમગ્ર ટુર્નામેન્ટમાં ચર્ચામાં હતા. પેરિસ ઓલિમ્પિક સમાપ્ત થઈ ગયા બાદ પણ સોશિયલ મીડિયા પર નીરજ ચોપરા અને મનુ ભાકર વિશે ચેટ બંધ થતી નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કેટલાક વીડિયોમાં, મનુ ભાકરની માતા તેની પુત્રીને નીરજ ચોપરા સાથે ફોટો પડાવવા માટે કહેતી જોઈ શકાય છે. અન્ય વીડિયોમાં, ભાકરની માતા નીરજના માથા પર હાથ મૂકતી જોવા મળે છે, જાણે કે તે તેને કંઈક વચન આપવા માટે કહી રહી હોય. આ વીડિયો બાદ નેટિઝન્સે બંનેની જોડી જ બનાવી નાખી હતી અને બંનેનો રિશ્તો પાક્કો થઇ ગયો , બંને લગ્ન કરી લેશે એવી અટકળોનો મારો શરૂ કરી દીધો હતો. હવે વાયરલ મીમ્સ અને પોસ્ટ્સને પગલે મનુ ભાકરના પિતા, રામ કિશન ભાકરે ખુલાસો કર્યો છે, અને શેર કર્યું છે કે મનુ “હજુ ઘણી નાની છે. લગ્નની ઉંમરની પણ નથી. અને તેઓ “તેના લગ્ન વિશે વિચારી રહ્યા નથી.”
તેમની પત્ની અને નીરજ ચોપરાને દર્શાવતા વાયરલ વીડિયો પર ટિપ્પણી કરતા રામ કિશને કહ્યું, “મનુની માતા નીરજને તેના પુત્ર સમાન માને છે.
નીરજ ચોપરાના કાકાએ પણ આવાયરલ અટકળો પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “જેમ નીરજ મેડલ લાવ્યો ત્યારે આખા દેશને તેની જાણ થઈ ગઈ. તેવી જ રીતે, જ્યારે તે લગ્ન કરશે, ત્યારે બધાને જાણ થઇ જશે.”
મનુ ભાકર અને નીરજ ચોપરા હરિયાણાના છે. મનુ ઈતિહાસમાં સૌથી સફળ ભારતીય મહિલા શૂટર છે, ત્યારે નીરજ ભારતનો જેવલીન સ્ટાર છે અને તેણે એથ્લેટિક્સમાં ઓલિમ્પિક ટાઈટલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બનીને ટોક્યો ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો છે.
મનુ ભાકરે તાજેતરમાં સમાપ્ત થયેલ 2024 પેરિસ ઓલિમ્પિકની મહિલાઓની એર શૂટિંગ ઇવેન્ટમાં બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. નીરજ ચોપરાએ જેવલીન થ્રોમાં 89.45 મીટરના થ્રો દ્વારા સિલ્વર મેડલ જીત્યો છે.