ટોપ ન્યૂઝનેશનલસ્પોર્ટસ

પહેલવાનોના દંગલ વચ્ચે સરકારે લીધો મોટો નિર્ણયઃ નવા અધ્યક્ષ સંજય સિંહની માન્યતા રદ

નવી દિલ્હી: ભારતીય કુસ્તી સંઘની ચૂંટણી હાલમાં જ યોજાઇ હતી. જેમાં ભાજપના સાંસદ બ્રિજભૂષણ સિંહના ખૂબ નજીકના સંજય સિંહની જીત થઇ હતી. અને પહેલવાન અનિતા શ્યોરાણાની હાર થઇ હતી. આ પરિણામો બાદ મહિલા પહેલવાન સાક્ષી મલિકે કુસ્તીમાંથી સંન્યાસ જાહેર કર્યો હતો. સાક્ષીએ કહ્યું કે, બ્રિજભૂષણ સિંહ જેવો જ કોઇ બીજો હવે કુસ્તી સંઘનો અધ્યક્ષ બની ગયો છે. ઉપરાંત સંજય સિંહની જીત બાદ બજરંગ પૂનિયાએ પણ વડા પ્રધાન આવાસની સામે તેનો પદ્મશ્રી મૂકી દીધો હતો. અને એક ચિઠ્ઠી પણ લખી હતી. ત્યાં હવે પહેલવાનોની માંગણીને ધ્યાનમાં લઇને સરકારે નવા કુસ્તી સંઘને રદ કર્યો છે.

રમતગમત મંત્રાલયે કુસ્તી સંઘને રદ કરી સંજય સિંહ દ્વારા લેવામાં આવેલ તમામ નિર્ણયો પણ સ્થગીત કરી દીધા છે. રમતગમત મંત્રાલયે આગામી આદેશ ન મળે ત્યાં સુધી કોઇ પણ નિર્ણયો લેવા પર પ્રતિબંધ લગાવ્યો છે. WFI ને સંબંધીત આપવામાં આવેલ નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે જાણે જૂના પદાધિકારીઓ જ બધા નિર્ણયો લઇ રહ્યાં છે.
રમતગમત મંત્રાલયે જાહેર કરેલ સૂચનામાં જણાવ્યું છે કે, WFI ના નવનિર્વાચિત પદાધિકારીઓ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો પૂર્ણ રીતે નિયમોના વિરોધમાં છે.


તથા આ નિયમો WFI ની જોગવાઇઓ અને નેશનલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ કોડનું ઉલ્લંઘન છે. આ નિર્ણયોમાં નવા અધ્યક્ષની મનમાની દેખાઇ રહી છે. જે સિદ્ધાંતોથી વિરુદ્ધ અને પારદર્શકતા રહિત છે. નિષ્પક્ષ રમત, પારદર્શકતા અને જવાબદારી નિશ્ચિત કરવા માટે નિયમોનું યોગ્ય પાલન આવશ્યક છે. એથલિટો, રમતવિરો અને સામાન્ય લોકો વચ્ચે વિશ્વાસ ઊભો કરવો મહત્વનો છે.

બીજી બાજુ વિનેશ ફોગાટે એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં કહ્યું હતું કે, આ ખૂબ જ સારા સમાચાર છે. અમે ઇચ્છીએ છીએ કે આ પદ પર કોઇ મહિલા આવવી જોઇએ. તેથી લોકો સુધી સંદેશો પહોંચે કે મહિલાઓ આગળ વધી રહી છે. કોઇ પણ હોય પણ એક સારી વ્યક્તી આ પદ પર આવવી જોઇએ.


જ્યારે રમતગમત મંત્રાલય દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી પર બજરંગ પુનિયાએ કહ્યું કે, મને હજી સુધી આ આંગે કોઇ જ જાણકારી નથી. જો આવો કોઇ નિર્ણય લેવાયો છે તો ખરેખર એ યોગ્ય નિર્ણય છે. જે અમારી બહેનો-દિકરીઓ સાથે થઇ રહ્યું છે એવા લોકોનો તમામ ફેડરેશનમાંથી સફાયો થવો જોઇએ.


અત્રે ઉલ્લેખનીય છે કે ધોબી પછાડ એ કુસ્તીનો એક દાવ છે જેમાં પહેલવાન તેના પ્રતિસ્પર્ધીને કમર પર લાદીને પાડી દે છે અને તેને પરાજીત કરે છે. રમતગમત વિભાગે કુસ્તી સંઘ સાથે જોડાયેલા તમામ વિવાદોને શાંત કરવા માટે આવો જ કોઇ દાવ ચલાવ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button