
નવી દિલ્હીઃ નાણા પ્રધાન નિર્મલા સીતારમણે રવિવારે રજૂ કરેલા અંદાજપત્ર (Budget)માં બહુ મોટો ફાયદો સ્પોર્ટ્સ ગુડ્સ (Sports Goods)ના ઉત્પાદન ક્ષેત્રને થયો છે, કારણકે આ ક્ષેત્રને પહેલી વખત એક જ ક્ષેત્ર માટે 500 કરોડ રૂપિયાની તોતિંગ ફાળવણી થઈ છે. આ નિર્ણયથી દેશમાં ખેલકૂદને લગતા માલસામાનના ઉત્પાદન સાથે સંકળાયેલા ` મેક ઇન ઇન્ડિયા’ સ્કિમ હેઠળના સ્ટાર્ટ-અપ્સને વેગ મળશે.
યુવા બાબતો અને ખેલકૂદને લગતા કેન્દ્રિય મંત્રાલય માટે 2025-’26ના વર્ષ માટે 3,346.54 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા અને આ વખતે એમાં 1,133.34 કરોડ રૂપિયાની વૃદ્ધિ કરાઈ છે. એ રીતે, આ મંત્રાલયને 2026-’27ની સાલ માટે કુલ 4,479.88 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.
2030માં કૉમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાવાની છે. જોકે આ વર્ષનો આ રમતોત્સવ જુલાઈ-ઑગસ્ટમાં ગ્લાસગૉમાં યોજાશે અને એ માટેની નાણાકીય સહાયતા 28.05 કરોડ રૂપિયાથી 78 ટકા વધારીને 50 કરોડ રૂપિયા કરવામાં આવી છે.
સીતારમણે બજેટમાં ` ખેલો ઇન્ડિયા મિશન’ની રચના કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે જે હેઠળ આગામી દાયકા દરમ્યાન દેશભરમાં તાલીમી કેન્દ્રો અને પ્રશિક્ષકો તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવશે. એ ઉપરાંત, ટૅલન્ટ શોધીને ખેલાડીઓ-ઍથ્લીટોની ક્ષમતાને વિકસાવવા માટેના કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવશે. સ્પોર્ટ્સ સાયન્સ અને ટેકનોલૉજીને સુસંગઠિત બનાવાશે તેમ જ સરકાર ખેલકૂદની વધુ હરીફાઈઓ તથા લીગને પ્રમોટ કરશે તેમ જ વધુ માળખાકીય સગવડો પણ ઊભી કરાશે.



