સ્પોર્ટસ

હું જડ્ડુનું અપહરણ… રવિન્દ્ર જાડેજા માટે આ શું બોલ્યા આર અશ્વિન?

રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા ભારતીય ક્રિકેટ જગતના બે મહાન સ્પિન બોલરો છે, જેઓ ભારતીય પરિસ્થિતિઓમાં પ્રભુત્વ ધરાવે છે. બંને જણ ટીમના સૌથી વધુ વિકેટ લેનારાઓના ટોપ 10 લિસ્ટમાં છે.

જો કે, તાજેતરના સમયમાં, ટીમ કોમ્બિનેશનના મુદ્દાઓને કારણે, રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાને એકસાથે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરવો પડ્યો છે. અશ્વિનમાં ઓલરાઉન્ડ કૌશલ્યના અભાવને કારણે તેને ઘણીવાર બલિનો બકરો બનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચોમાં અશ્વિન કરતા જાડેજાને પસંદ કરવામાં આવે છે. ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલા આર અશ્વિન તેમની યુટ્યુબ ચેનલ પર દરરોજ કોઈને કોઈ ક્રિકેટ મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપતા જોવા મળે છે. હાલમાં જ પોતાની યુટ્યુબ ચેનલ પર બોલતા આર અશ્વિને રવિન્દ્ર જાડેજા વિશે એક મોટી વાત કહી છે.

જ્યારે અશ્વિનને પૂછવામાં આવ્યું કે જ્યારે જાડેજા અથવા તેનામાંથી કોઈ એકને ટીમ ઈન્ડિયા માટે રમવાની તક મળે છે અને મોટે ભાગે જાડેજાની પસંદગી કરવામાં આવે છે ત્યારે તેને કેવું લાગે છે. પોતાના યુટ્યુબ ચેનલ પર આ સવાલનો જવાબ આપતા આર અશ્વિને જણાવ્યું હતું કે, જો મને રમવાનો મોકો ના મળે તો ના મળે, એમાં હું શું કરી શકું? હું કંઇ જાડેજાનું અપહરણ કરીને ઘરમાં તો ના જ રાખી શકું ને! હું આ બાબતમાં ઇર્ષ્યા કરતો નથી. હું હંમેશા મારી જાતને સુધારવા વિશે વિચારું છું. અમે બધા 11 પ્લેયર ઇન્ડિયા માટે રમીએ છીએ. જો કોઈને તક ન મળે તો તેણે વિચારવું જોઈએ કે આમાં કોઈની ભૂલ નથી. હું મારી બેટિંગ અને ફિલ્ડિંગ પર કામ કરી રહ્યો છું. હું જાડેજાની જેમ ફિલ્ડિંગ કરી શકતો નથી.

અશ્વિને એમ પણ જણાવ્યું હતું કે “હું નથી રમી રહ્યો એમાં જાડેજાની ભૂલ નથી. મને ટીમમાં સ્થાન મળે એ માટે જાડેજાને ટીમની બહાર રાખવામાં આવે એવી હું ઈર્ષ્યા નથી કરતો. જાડેજા મેં જોયેલા સૌથી પ્રતિભાશાળી ક્રિકેટર છે. તેમના રમત એકદમ કુદરતી છે. હું ઘણું વિચારવાનું વલણ રાખું છું, જ્યારે તે નથી કરતો. ઈન્ટરવ્યુમાં અશ્વિને વધુમાં કહ્યું હતું કે રાષ્ટ્રીય ટીમમાં ન રમી રહેલા ખેલાડીઓ સાથે કોઈ ગેરસમજ ન થાય તે માટે યોગ્ય વાતચીત કરવી જરૂરી છે.

ભારતીય ટીમ હવે તેની આગામી શ્રેણી બાંગ્લાદેશ સાથે રમવા જઈ રહી છે. આ ટેસ્ટ સિરીઝ 19 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. બાંગ્લાદેશની ટીમ પાકિસ્તાન બાદ ભારતનો પ્રવાસ કરશે. આ પ્રવાસમાં બંને ટીમો વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. આ સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં કયા ખેલાડીઓને સ્થાન મળશે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. પસંદગીકારો દુલીપ ટ્રોફીમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓ પર નજર રાખવાના છે. હવે જોવાનું એ રહે છે કે શું આર અશ્વિનને આ ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમમાં તક મળશે?

અશ્વિને ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 100 ટેસ્ટ મેચ રમી છે. આ 100 ટેસ્ટ મેચોની 189 ઇનિંગ્સમાં બોલિંગ કરતી વખતે અશ્વિને 516 વિકેટ લીધી છે. આ ઉપરાંત અશ્વિને બેટિંગ કરતા 3309 રન બનાવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button