સ્પોર્ટસ

ભારતને 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનવાની દિશામાં ‘રમતગમત’ મહત્વની ભૂમિકા નિભાવશેઃ માંડવિયા

ગાંધીનગરઃ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આજે જણાવ્યું હતું કે ભારતને આઝાદીના શતાબ્દી વર્ષ 2047માં રમતગમત ભારતની વિકસિત રાષ્ટ્ર બનવાની યાત્રામાં એક મહત્વપૂર્ણ આધારસ્તંભ બની શકે છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રીએ જણાવ્યું હતું કે 2036માં ઓલિમ્પિકનું આયોજન કરવાની ભારતની પ્રતિબદ્ધતા તેની વધતી શક્તિનું પ્રતીક છે.

નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી ખાતે આયોજિત પ્રથમ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંશોધન પરિષદના ઉદ્ઘાટન સમારોહમાં માંડવિયાએ કહ્યું હતું કે, “વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આપણે 2036માં દેશમાં ઓલિમ્પિકનું આયોજન કરવાનું છે. આ ભારતની વધતી શક્તિનું પ્રતીક છે. મંત્રીએ કહ્યું કે જ્યારે ભારત 2047માં એક વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યો છે અને સ્વતંત્રતાના શતાબ્દી વર્ષની ઉજવણી કરશે ત્યારે રમતગમત આ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં એક મહત્વપૂર્ણ આધારસ્તંભ બની શકે છે.

સંશોધન અને નવીનતાના મહત્વ પર ભાર મૂકતા માંડવિયાએ કહ્યું, “જો આપણે સંશોધન અને નવા વિચારોને અમલમાં મૂકવામાં નિષ્ફળ જઈશું તો આપણે સતત પ્રગતિશીલ વિશ્વમાં પાછળ રહી જઈશું.” તેમણે કહ્યું હતું કે, “જ્યારે આપણે રમતગમતને પ્રોત્સાહન આપીએ છીએ ત્યારે આપણને ઘણી સમસ્યાઓના ઉકેલ મળે છે. આ જ કારણ છે કે પ્રધાનમંત્રી મોદીએ ‘ખેલો ઇન્ડિયા’નો નારો આપ્યો હતો અને નાગરિકોને ફિટ રાખવા માટે ‘ફિટ ઇન્ડિયા’ અભિયાન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “‘ફિટ ઇન્ડિયા’ નાગરિકોમાં શારીરિક અને માનસિક તંદુરસ્તી સુનિશ્ચિત કરવા વિશે છે અને આવા લોકો એક આદર્શ સમાજનું નિર્માણ કરે છે, જે સ્વસ્થ હોય છે અને વિકસિત દેશનો માર્ગ મોકળો કરે છે.”

Also read: ઉમેદવારોની યાદીમાંથી રૂપાલા અને માંડવિયા આઉટ

કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, “રમતગમત એ દેશની વધતી જતી શક્તિનું પ્રતીક છે. એટલા માટે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે 2036 સુધીમાં આપણે રમતગમતના ક્ષેત્રમાં વિશ્વના ટોચના 10 દેશોમાં આવવાનું છે અને 2047માં જ્યારે દેશ સ્વતંત્રતાની શતાબ્દી ઉજવશે, ત્યારે આપણે રમતગમતમાં ટોચના પાંચ દેશોમાં હોવું જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button