વિરાટ કોહલીએ કરી મોટી જાહેરાત, અસંખ્ય ચાહકોને મૂકી દીધા ચિંતામાં…

નવી દિલ્હી: ભારતના સૌથી લોકપ્રિય ક્રિકેટરોમાંના એક વિરાટ કોહલીએ તેના નવા મૅનેજમેન્ટ વેન્ચર ‘સ્પોર્ટિંગ બિયૉન્ડ’ વિશેની જાહેરાત કરી છે. આ જાહેરાતને લઈને તેના અસંખ્ય ચાહકોને આશ્ચર્ય થયું છે.
કોહલીએ પોતે એક મોટી જાહેરાત કરી રહ્યો છે એવો મીડિયામાં સંકેત આપ્યો ત્યારે તેના અનેક ચાહકો ચિંતામાં મુકાઈ ગયા હતા. ઘણાએ એવું માની લીધું હશે કે કોહલી હવે સંપૂર્ણ રિટાયરમેન્ટ લઈ રહ્યો છે.
નવી મેનેજમેન્ટ કંપની સાથેના કરારનું પગલું તેણે કોર્નરસ્ટોન નામની કંપની સાથે છેડો ફાડ્યા બાદ ભર્યું છે. એ કંપની સાથે તેનો વર્ષોનો સંબંધ હતો અને એ સેલિબ્રિટી મૅનેજમેન્ટ કંપનીનું સંચાલન બન્ટી સજદેહ સંભાળે છે.
કોહલીએ સોશિયલ મીડિયા પર પોતાના કરોડો રૂપિયાના બિઝનેસને લગતા સમાચાર શૅર કર્યા હતા જેમાં તેણે જણાવ્યું હતું કે “સ્પોર્ટિંગ બિયૉન્ડ કંપની મારા ધ્યેયને બરાબર જાણે છે, ઓળખે છે તેમ જ પારદર્શકતા, અખંડિતતાને લગતા મારા મૂલ્યોને અને રમત પ્રત્યેના મારા અનહદ પ્રેમને પણ બરાબર જાણે છે. આ સાથે, મારા નવા અધ્યાયની શરૂઆત થઈ છે અને મારી આ નવી ટીમ સાથે કામ કરવાની બાબતમાં હું ખૂબ આશાવાદી છું. આ નવી કંપની મારા તમામ પ્રકારના બિઝનેસને લગતું કામકાજ સંભાળશે.’
કોહલી ટી-20 ઇન્ટરનેશનલમાંથી રિટાયર થઈ ચૂક્યો છે. ટેસ્ટમાંથી તેની નિવૃત્તિનો સમય ગમે એ ઘડીએ આવી શકે. તે હજી વન-ડે ક્રિકેટ પણ રમે છે અને આઇપીએલમાં 2008ના પ્રથમ વર્ષથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ સાથે સંકળાયેલો છે.
આ પણ વાંચો…..ICC champions trophy: ભારતની બધી મેચો આ દેશમાં યોજવા PCB સંમત, અહેવાલમાં દાવો
2023ની સાલમાં કોહલીની બ્રેન્ડ વેલ્યુ 227.9 મિલિયન ડોલર (અંદાજે 20 અબજ રૂપિયા) હતી. તે અનેક જાણીતી બ્રૅન્ડના મોડલિંગ માટે કરારબધ્ધ થયો છે.
માર્ચ, 2024 સુધીના નાણાકીય વર્ષના આંકડા મુજબ દેશના સ્પોર્ટ્સપર્સન્સમાં કોહલી સૌથી મોટો કરદાતા છે. એ વર્ષમાં કોહલીએ 66 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો હતો.