સ્પોર્ટસ

સ્પિનર પ્રિયા મિશ્રાનો પહેલી જ ડબ્લ્યૂપીએલમાં તરખાટ: ગુજરાતને જીત અપાવી

વડોદરા: ચાર જ મહિના પહેલાં ભારત વતી વન-ડેમાં રમવાનું શરૂ કરીને નવ મૅચમાં 15 વિકેટ લેનાર 20 વર્ષની યુવા લેગ-સ્પિનર પ્રિયા મિશ્રા મહિલાઓની આઈપીએલ તરીકે જાણીતી વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)માં પહેલી જ વાર રમી રહી છે અને રવિવારે તેણે યુપી વૉરિયર્ઝ સામે ગુજરાત જાયન્ટ્સને શાનદાર વિજય અપાવ્યો હતો.

પ્રિયાએ પચીસ રનમાં ત્રણ વિકેટ લીધી હતી. તેણે યુપીની કેપ્ટન દિપ્તી શર્મા (39 રન), તાહલિયા મેકગ્રા (0) અને ગ્રેસ હૅરિસ (4 રન)ની મુખ્ય ત્રણ વિકેટ લેવા ઉપરાંત ઉમા ચેટ્રી (24 રન)નો કૅચ પણ ઝીલ્યો હતો.

મૅચ પછી ભારતીય ક્રિકેટ-લેજન્ડ મિતાલી રાજે પ્રિયાના ખૂબ વખાણ કર્યાં હતા જેમાં તેણે કહ્યું કે ‘પ્રિયાની આ પહેલી જ ડબ્લ્યૂપીએલ છે અને બીજી જ મૅચમાં પોતાની ટીમને જિતાડવી એ મોટું કામ કહેવાય. લેગ-સ્પિન બોલિંગમાં આવી હાઇ પ્રેશરવાળી મૅચમાં ત્રણ મહત્વની વિકેટ લેવી એ મોટી સિદ્ધિ જ કહેવાય.’

https://twitter.com/i/status/1891147372375199887

યુપીએ નવ વિકેટે 143 રન બનાવ્યા હતા. ગુજરાતની પ્રિયાની ત્રણ વિકેટ ઉપરાંત કેપ્ટન ઍશ ગાર્ડનરે અને કૅરિબિયન ઑલરાઉન્ડર ડીએન્ડ્રા ડૉટિને બે-બે વિકેટ લીધી હતી.

ગુજરાતે 18 ઓવરમાં ચાર વિકેટે 144 રનનો લક્ષ્યાંક મેળવી લીધો હતો. એમાં કેપ્ટન ગાર્ડનર (બાવન રન, 32 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. હર્લીન દેઓલ (34 અણનમ, 30 બૉલ, ચાર ફોર) અને ડૉટિન (33 અણનમ, 18 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)નો પણ જીતમાં મોટો ફાળો હતો. લૉરા વોલ્વાર્ટે બાવીસ રન બનાવ્યા હતા, પરંતુ પીઢ બૅટર બેથ મૂની અને દયાલન હેમલતા શૂન્યમાં આઉટ થઈ હતી. યુપીની એકલ્સ્ટને સૌથી વધુ બે વિકેટ લીધી હતી.

આ પણ વાંચો…યશસ્વી જયસ્વાલ ટીમમાંથી બહાર થતા કોચનું છલકાયું દર્દ, કહ્યું કે….

ગુજરાતની કેપ્ટન તરીકે બીજી હાફ સેન્ચુરી ફટકારનાર ઍશ ગાર્ડનરે એક કૅચ પણ ઝીલ્યો હતો. તેને પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

આ પણ વાંચો…ચેમ્પિયન્સ ટ્રોફીના ત્રણ દિવસ પહેલા જ ટીમ ઇન્ડિયા મુશ્કેલીમાં…

હાલમાં ગાર્ડનર આ વખતે સૌથી વધુ ચાર વિકેટ અને હાઈએસ્ટ 131 રન બનાવવા બદલ અનુક્રમે પર્પલ તથા ઑરેન્જ, બન્ને કૅપ ધરાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button