સાઉથ આફ્રિકાના ટેસ્ટ ચૅમ્પિયનોનું જોહનિસબર્ગમાં જોરદાર સ્વાગત
ટાઇટલની ગદા સાથે ઇનામમાં 31 કરોડ રૂપિયા મળ્યા છેઃ ખેલાડીઓએ ચાહકો સાથે હાથ મિલાવ્યા, ઑટોગ્રાફ આપ્યા

જોહનિસબર્ગઃ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાને હરાવીને સાઉથ આફ્રિકાના નવા ટેસ્ટ વિજેતાઓ જોહનિસબર્ગ પહોંચ્યા ત્યારે તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ટીમે આઇસીસી તરફથી ટ્રોફીના રૂપમાં ગદા (MACE) મેળવી છે તેમ જ તેમણે 3.6 મિલિયન ડૉલર (અંદાજે 31 કરોડ રૂપિયા)નું પ્રથમ ઇનામ પણ મેળવ્યું છે. રનર-અપ ઑસ્ટ્રેલિયાને 2.1 મિલિયન ડૉલર (આશરે 18.63 કરોડ રૂપિયા) મળ્યા છે.
એક તરફ ભારતમાં હજી પણ કરોડો ક્રિકેટપ્રેમીઓ આઇપીએલમાં આરસીબીના પ્રથમ ટાઇટલને પગલે ચોથી જૂને બેંગલૂરુમાં બનેલી ધક્કામુક્કીવાળી ઘટનાના આઘાતમાંથી બહાર નથી આવ્યા ત્યાં બીજી બાજુ સાઉથ આફ્રિકામાં ઐતિહાસિક આઇસીસી ટ્રોફી બદલ જશન મનાવાઈ રહ્યો છે. ટેમ્બા બવુમા (TEMBA BAVUMA) અને હેડ-કોચ શુક્રી કૉનરૅડ સૌથી પહેલાં ઍરપોર્ટ પર ચાહકોની વચ્ચે આવ્યા હતા અને ત્યાર બાદ સાથી ખેલાડીઓએ પણ સેલિબે્રશનના મૂડમાં આગમન કર્યું હતું. ટ્રિસ્ટેન સ્ટબ્સ અને લુન્ગી ઍન્ગિડીએ રાષ્ટ્ર ધ્વજ હાથમાં રાખ્યો હતો.
સાઉથ આફ્રિકાના ખેલાડીઓ ચાહકો સામે ખૂબ નાચ્યા હતા. ખેલાડીઓએ ચાહકો સાથે હાથ મિલાવ્યા હતા અને તેમને ઑટોગ્રાફ પણ આપ્યા હતા.
The Proteas have arrived in South Africa pic.twitter.com/WZ5FA5kgjs
— SuperSport (@SuperSportTV) June 18, 2025
આ ટેસ્ટનો વર્લ્ડ કપ હતો અને સાઉથ આફ્રિકા ક્રિકેટમાં પહેલી જ વખત વર્લ્ડ કપની ટ્રોફી જીત્યું છે.
સાઉથ આફ્રિકા 27 વર્ષે આઇસીસી ટ્રોફી જીત્યું છે. આ અગાઉ સાઉથ આફ્રિકા માત્ર 1998ની ચૅમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ જીત્યું હતું.
ડબ્લ્યૂટીસીની લૉર્ડ્સ ખાતેની લો-સ્કોરિંગ ફાઇનલનું ચોથા દિવસે પરિણામ આવ્યું હતું. ઑસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 212 રન બનાવ્યા બાદ સાઉથ આફ્રિકાએ 138 રન બનાવતાં ઑસ્ટ્રેલિયાને 74 રનની સરસાઈ મળી હતી. બીજા દાવમાં ઑસ્ટ્રેલિયાએ 207 રન બનાવતાં સાઉથ આફ્રિકાને 282 રનનો સાધારણ લક્ષ્યાંક મળ્યો હતો જે તેમણે 83.4 ઓવરમાં પાંચ વિકેટના ભોગે મેળવી લીધો હતો.
ઓપનર એઇડન માર્કરમ (MARKRAM) પ્રથમ દાવમાં ઝીરોમાં આઉટ થયો હતો, પરંતુ બીજી ઇનિંગ્સમાં તેણે 383 મિનિટ સુધી ક્રીઝમાં રહીને 14 ફોરની મદદથી 207 બૉલમાં ટ્રોફી-વિનિંગ 136 રન કર્યા હતા. કૅપ્ટન બવુમાએ 66 રન અને ડેવિડ બેડિંગમે અણનમ 21 રન કર્યા હતા.