કુંબલે અને ડેલ સ્ટેને ભારતીયો વિશે આકરું બોલવા બદલ સાઉથ આફ્રિકન કોચનો ઊધડો લીધો, ખુદ કૅપ્ટન બવુમા પણ નારાજ છે

ગુવાહાટીઃ ટેસ્ટના વર્લ્ડ ચૅમ્પિયન સાઉથ આફ્રિકાના હેડ-કોચ શુક્રી કૉન્રાડે મંગળવારે ગુવાહાટી ટેસ્ટના બીજા દાવમાં ભારતને જીતવા 549 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો ત્યાર બાદ ભારતીય ટીમ માટે જે કઠોર શબ્દો વાપર્યા એ સામે સ્પિન-લેજન્ડ અનિલ કુંબલેએ વાંધો ઉઠાવ્યો છે, મીડિયામાં કૉન્રાડની ખબર લઈ નાખતા નિવેદનો આપ્યા છે અને બીજી બાજુ ખુદ સાઉથ આફ્રિકાના કૅપ્ટન ટેમ્બા બવુમાએ પણ પોતાના કોચની આકરી ભાષા વિશે નારાજગી વ્યક્ત કરીને કેટલાક ખુલાસા કરવા પડ્યા છે. ખુદ સાઉથ આફ્રિકાના પેસ બોલિંગ લેજન્ડ ડેલ સ્ટેનને પણ કોચ કૉન્રાડ (Conrad)ની ટિપ્પણી નથી ગમી. કૅપ્ટન ટેમ્બા બવુમાએ કહ્યું હતું કે ` હું મૅચમાં વ્યસ્ત હતો એટલે કૉન્રાડની કમેન્ટ મને બુધવારે સવારે જ જાણવા મળી. તેમણે પોતાની કમેન્ટ વિશે સમીક્ષા કરવી પડશે (ભવિષ્યમાં આવું ફરી ન બને એ સંભાળવું પડશે).’
સાઉથ આફ્રિકાએ 549 રનનો લક્ષ્યાંક આપ્યા બાદ ભારતીય ટીમ માત્ર 140 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ જતાં પ્રવાસી ટીમનો 408 રનના માર્જિનથી વિજય થયો હતો. ભારતનો માર્જિનની ગણતરીએ આ સૌથી ખરાબ પરાજય છે.
આ પણ વાંચો: ભારતના ધબડકા પછી ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું ‘કોચનો નિર્ણય બીસીસીઆઈ લેશે પણ…’
સાઉથ આફ્રિકાએ બીજો દાવ 5/260ના સ્કોર પર ડિક્લેર કરીને ભારતને 549 રનનો મહાકાય લક્ષ્યાંક આપ્યો ત્યાર બાદ સાઉથ આફ્રિકન કોચ કૉન્રાડે ભારતીય ટીમ વિશે વિવાદાસ્પદ કમેન્ટ કરી હતી. કુંબલેને તેમ જ ખુદ સાઉથ આફ્રિકાના પેસ બોલિંગ લેજન્ડ ડેલ સ્ટેન (Steyn)ને કોચ કૉન્રાડની ટિપ્પણી નથી ગમી. કૉન્રાડે મંગળવારે મૅચના ચોથા દિવસની રમત બાદ કહ્યું હતું કે ` અમે ઇચ્છતા હતા કે ભારતીય ખેલાડીઓ મેદાન પર (ફીલ્ડિંગમાં) બને એટલો વધુ સમય વીતાવે. અમે ઇચ્છતા હતા કે તેઓ એટલા બધા થાકી જાય કે તેમણે લથડતાં લથડતાં ચાલવું પડે. હું તો 1976માં ક્લાઇવ લૉઇડની વેસ્ટ ઇન્ડિયન ટીમ સામેની સિરીઝ પહેલાં ઇંગ્લિશ કૅપ્ટન ટૉની ગ્રેગે કરેલી કમેન્ટ પરથી પ્રેરણા લઈને કહી રહ્યો છું. અમે ઇચ્છતા હતા કે ભારતીય ટીમ આ મૅચમાંથી પૂર્ણપણે આઉટ થઈ જાય (જીતવા માટે કે ડ્રૉ કરવા માટે અસમર્થ થઈ જાય). અમે તેમને એટલો મોટો ટાર્ગેટ આપીને ઇશારામાં કહેવા માગતા હતા કે હવે આવો, મંગળવારના એક કલાક અને બુધવારના આખા દિવસની રમતમાં આ ટાર્ગેટ મેળવી બતાવો.’
ગ્રૉવેલ શબ્દના ઉચ્ચાર પછી ટૉની ગ્રેગે માફી માગેલી
ભારતીય ખેલાડીઓ માટે અંગ્રેજીમાં ગ્રૉવેલ’ એટલે કે લથડિયા ખાતાં, લાચાર થઈને ઘૂંટણિયે ચાલે અને જમીનમાં નાક રગડતાં થઈ જાય એવી ખરાબ હાલતમાં મૂકાઈ જાય, એવું કહેવાનો કૉન્રાડનો અર્થ હતો. આ જી વર્ડ’ તરીકે ઓળખાય છે. ક્રિકેટમાં આ શબ્દને રંગભેદી માનવામાં આવે છે. ખુદ સાઉથ આફ્રિકા દાયકાઓ સુધી રંગભેદનો શિકાર થયું હતું અને હવે ખુદ એની ક્રિકેટ ટીમના હેડ-કોચ જ આ અપશબ્દનો પ્રયોગ કરે છે. 1976માં ઇંગ્લૅન્ડના કૅપ્ટન ટૉની ગ્રેગે ` ગ્રૉવેલ’ જેવા આકરા શબ્દોનો કૅરિબિયન ટીમ માટે પ્રયોગ કર્યા પછી માફી માગવી પડી હતી. ગ્રેગે એ શબ્દ સિરીઝની પહેલાં વાપર્યો હતો અને પરિણામ એ આવ્યું કે તેમની જ ધરતી પર વેસ્ટ ઇન્ડિઝે ત્યારે ઇંગ્લૅન્ડને 3-0થી હરાવ્યું હતું.
કુંબલેએ કૉન્રાડની કમેન્ટ વિશે શું કહ્યું
અનિલ કુંબલે (Kumble)એ વર્લ્ડ ચૅમ્પિયન ટીમના કોચ કૉન્રાડની ગ્રોવેલ શબ્દની કમેન્ટ વિશે કહ્યું, ` કોઈ સાઉથ આફ્રિકન વ્યક્તિ અને એવી ટીમ જે શિસ્તપાલનની આગ્રહી હોય એવી ટીમ આવા શબ્દનો પ્રયોગ કરશે એવી મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. તમે જ્યારે શિખર પર હોવ ત્યારે શબ્દોનો ખૂબ સંભાળીને ઉપયોગ કરવો જોઈએ. આ સ્થિતિમાં હોવ ત્યારે વિનમ્રતા હોવી ખૂબ જરૂરી છે. તમે જ્યારે જીતી રહ્યા હોવ ત્યારે સૌથી પહેલાં તો તમારે વિનમ્ર બનવું પડે.’
ડેલ સ્ટેને કયા શબ્દોમાં નારાજગી બતાવી
સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ડેલ સ્ટેને એક ઇન્ટરવ્યૂમાં કુંબલેના મંતવ્ય સાથે સહમત થતા કહ્યું, ` સાઉથ આફ્રિકાના હેડ-કોચે આવો શબ્દ (ગ્રૉવેલ) વાપરવો જ નહોતો જોઈતો. મને આ જરાય નથી ગમ્યું. તમે જ્યારે પ્રભુત્વ જમાવી રહ્યા હોવ ત્યારે અતિ ઉત્સાહમાં આવીને કંઈ જ ન બોલાય. બોલવામાં ખૂબ સંભાળવું જોઈએ. સૉરી શુક્રી, મને તમારી આ ટિપ્પણી નથી ગમી.’



