ફાઇનલનું પ્રથમ સત્ર સાઉથ આફ્રિકાનું, ઑસ્ટ્રેલિયાએ 67 રનમાં ચાર વિકેટ ગુમાવી
ડબ્લ્યૂટીસી ફાઇનલનો ધમાકેદાર આરંભઃ કાંગારૂઓ પર રબાડા પછી યેનસેન ત્રાટક્યો

લૉર્ડ્સઃ અહીં ઑસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં પ્રારંભિક દિવસનું પ્રથમ સેશન સાઉથ આફ્રિકા (SOUTH AFRICA)ના નામે લખાયું હતું. લંચ સુધીના બે કલાકના પહેલા સત્રમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા (AUSTRALIA)એ 23.2 ઓવરમાં 67 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. સાઉથ આફ્રિકાના કૅપ્ટન ટેમ્બા બવુમાએ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી એનું તેને અને તેની ટીમને તરત સારું પરિણામ જોવા મળ્યું હતું.
તાજેતરની આઇપીએલમાં પંજાબ કિંગ્સને રનર-અપ બનાવવામાં મોટી ભૂમિકા ભજવનાર લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર માર્કો યેનસેને (MARCO JANSEN) 24મી ઓવર કરી હતી જેના બીજા બૉલમાં ટ્રૅવિસ હેડ (11 રન) વિકેટકીપર કાઇલ વેરેનીના હાથમાં કૅચઆઉટ થયો ત્યારે અમ્પાયરે લંચનો બે્રક જાહેર કરી દીધો હતો અને ત્યારે સ્ટીવ સ્મિથ 26 રને રમી રહ્યો હતો. તેણે 51 બૉલની ઇનિંગ્સમાં પાંચ ફોર ફટકારી હતી.
એ પહેલાં, 2023-2025ની ડબ્લ્યૂટીસી સીઝનની આ ફાઇનલમાં સાઉથ આફ્રિકાના કૅપ્ટન ટેમ્બા બવુમાએ ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધી હતી. કૅગિસો રબાડા (KAGISO RABADA) ઇનિંગ્સની શરૂઆતમાં ત્રાટક્યો હતો. ઑસ્ટ્રેલિયાએ બૅટિંગ મળ્યા બાદ તરત જ બે વિકેટ ગુમાવી દીધી હતી. પહેલી વાર ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચેલા સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર રબાડાએ એક જ ઓવરમાં પહેલી બે વિકેટ લીધી હતી.
ઑસ્ટ્રેલિયાએ પહેલી છ ઓવર તો હેમખેમ કાઢી હતી. એમાં વિના વિકેટે 12 રન થયા હતા, પણ સાતમી ઓવર જે રબાડાએ કરી હતી એના ત્રીજા બૉલમાં તેણે ઓપનર ઉસ્માન ખ્વાજા (0)ને પ્રથમ સ્લિપમાં ડેવિડ બેડિંગમના હાથમાં કૅચઆઉટ કરાવી દીધો હતો.
ઓપનિંગમાં ખ્વાજા સાથે માર્નસ લબુશેન બૅટિંગમાં આવ્યો હતો જેણે ધીમી, પરંતુ સાવચેતીભરી શરૂઆત કરી હતી. ખ્વાજાની વિકેટ પડતાં કૅમેરન ગ્રીન (જે 15 મહિને ફરી રમવા આવ્યો છે) વનડાઉન બૅટિંગમાં આવ્યો હતો, પરંતુ સાતમી જ ઓવરના અંતમાં રબાડાએ ઑફ સ્ટમ્પ પર બૉલમાં ગ્રીનને બીજી સ્લિપમાં એઇડન માર્કરમના હાથમાં કૅચઆઉટ કરાવીને ઑસ્ટ્રેલિયાની છાવણીમાં સોપો પાડી દીધો હતો. ગ્રીન અક્રોસ ધ લાઇન રમવા જતાં કૅચ આપી બેઠો હતો.
ખ્વાજા અને ગ્રીન બાદ ત્રીજી વિકેટ લબુશેનની પડી હતી જેમાં યેનસેને તેને વિકેટકીપર વેરેનીના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. લબુશેને 56 બૉલમાં 17 રન કર્યા હતા. સાઉથ આફ્રિકાની બીજા બે પેસ બોલર લુન્ગી ઍન્ગિડી અને વિઆન મુલ્ડરને વિકેટ નહોતી મળી, પરંતુ તેમણે કાંગારૂઓને કાબૂમાં રાખ્યા હતા.
આ પણ વાંચો…ડબ્લ્યૂટીસી ફાઇનલઃ સાઉથ આફ્રિકાએ ફીલ્ડિંગ લીધી, ઑસ્ટ્રેલિયાએ આરંભમાં જ બે વિકેટ ગુમાવી