સાઉથ આફ્રિકા બે મૅચ-વિનર વગર રમ્યું છતાં જીતી ગયું

કરાચીઃ સાઉથ આફ્રિકાએ અહીં આજે અફઘાનિસ્તાનને ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ગ્રૂપ `બી’ની મૅચમાં 107 રનથી હરાવી દીધું હતું. સાઉથ આફ્રિકા ઈજાગ્રસ્ત હિન્રિક ક્લાસેન અને ટ્રિસ્ટને સ્ટબ્સ વિના રમ્યું છતાં આસાનીથી જીતી ગયું. રાયન રિકલ્ટન (103 રન) આ મૅચનો સુપરહીરો હતો. જોકે બોલિંગમાં પણ અફઘાનની ટીમને સાઉથ આફ્રિકનો ભારે પડ્યા હતા. કૅગિસો રબાડાએ ત્રણ વિકેટ તેમ જ લુન્ગી ઍન્ગિડી તથા વિઆન મુલ્ડરે બે-બે વિકેટ લીધી હતી.
અફઘાનિસ્તાનની ટીમ 316 રનના લક્ષ્યાંક સામે 43.3 ઓવરમાં 208 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગયું હતું. રહમત શાહે 92 બૉલમાં બનાવેલા 90 રન પાણીમાં ગયા હતા. તેને રબાડાએ વિકેટકીપર રિકલ્ટનના હાથમાં કૅચઆઉટ કરાવીને 10 રન માટે સદીથી વંચિત રાખ્યો હતો.
રિકલ્ટન તેમ જ કૅપ્ટન બવુમા (58 રન), રૅસી વૅન ડર ડુસેન (બાવન રન) અને માર્કરમ (બાવન અણનમ)એ ક્લાસેનની ખોટ નહોતી વર્તાવા દીધી અને સાઉથ આફ્રિકાને 315/6નો સ્કોર અપાવ્યો હતો.
ક્લાસેનને કોણીમાં ઈજા થઈ હતી અને તેને કોણીમાં ખાસ કંઈ દુખાવો નહોતો, પરંતુ ટીમ મૅનેજમેન્ટે પૂર્વ સાવચેતી તરીકે તેને પ્લેઇંગ-ઇલેવનમાં નહોતો સમાવ્યો. સાઉથ આફ્રિકાની આગામી મૅચ પચીસઅમી ફેબ્રુઆરીએ ઑસ્ટ્રેલિયા સામે છે એટલે એમાં સાઉથ આફ્રિકાની ટીમ ક્લાસેન પર મોટો આધાર રાખશે.
આ પણ વાંચો…ગોવામાંથી ગુજરાતના ત્રણ જણ મૅચ પર બેટિંગ લેતા પકડાયા
ગયા વર્ષે આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વતી જબરદસ્ત ફટકાબાજી કરી ચૂકેલા ક્લાસેનના છેલ્લી ચાર વન-ડેના સ્કોર્સ (તમામ પાકિસ્તાન સામે) જોતાં આ મૅચ ફિક્કી તો પડી જ ગઈ કહેવાયઃ 97 બૉલમાં 86 રન, 74 બૉલમાં 97 રન, 43 બૉલમાં 81 રન અને 56 બૉલમાં 87 રન.
એકંદરે 54 વન-ડેમાં 44.12ની બૅટિંગ-સરેરાશ ધરાવતા ક્લાસેને 2,074 રન બનાવ્યા છે અને 117.44 તેનો સ્ટ્રાઇક-રેટ છે જે વન-ડે માટે બહુ સારો કહેવાય.
2020ની શરૂઆતથી અત્યાર સુધીમાં 97 ખેલાડીઓએ સ્પિન બોલિંગ સામે 500-પ્લસ બૉલનો સામનો કર્યો છે અને એ બધામાં ક્લાસેનનો 117.44નો સ્ટ્રાઇક-રેટ હાઇએસ્ટ છે.