પાકિસ્તાન મહિલા વર્લ્ડ કપની બહાર ફેંકાઈ ગયું: જાણો કેવી રીતે…

કોલંબો: મહિલાઓના વન-ડે વર્લ્ડ કપમાં બીજી ઑક્ટોબરે પાકિસ્તાનને બાંગ્લાદેશે આંચકો આપ્યો હતો અને પાંચમી ઑક્ટોબરે પાકિસ્તાનને ભારતે જોરદાર પછડાટ ખવડાવી ત્યાર બાદ ફાતિમા સનાની ટીમ બેઠી જ ન થઈ શકી અને મંગળવારે સાઉથ આફ્રિકાએ પાકિસ્તાનને મરણતોલ ફટકો માર્યો હતો જેને પગલે આ દમ વગરની ટીમ ટૂર્નામેન્ટની બહાર ફેંકાઈ ગઈ છે.
છમાંથી એક પણ મૅચ ન જીતી શકનાર પાકિસ્તાનની નબળી ટીમને મંગળવારે સાઉથ આફ્રિકાએ વરસાદના વિઘ્નો વચ્ચે 150 રનના વિક્રમજનક માર્જિનથી હરાવી હતી. એ સાથે, સાઉથ આફ્રિકા પોઈન્ટ્સ ટેબલમાં નંબર વન થઈ ગયું.
કોલંબોમાં મેઘરાજાનું વર્ચસ્વ
કોલંબોમાં મેઘરાજાએ સ્પર્ધાની શરૂઆતથી જ તમામ ટીમોને હેરાન કર્યા અને મંગળવારે પાકિસ્તાન વધુ એક વખત વરસાદના વિઘ્નનો ભોગ બન્યું. આ ટીમ છમાંથી ચાર મૅચ હારી અને વરસાદને લીધે એની બે મૅચ અનિર્ણીત રહી અને પરિણામ એ આવ્યું કે આ ટીમ માત્ર બે પોઇન્ટ લઈને સ્પર્ધામાંથી આઉટ થઈ ગઈ.
સાઉથ આફ્રિકાની બોલિંગથી કાંપતા પાકિસ્તાને મંગળવારે ટૉસ જીતીને સાઉથ આફ્રિકાને પહેલાં બૅટિંગનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ લૉરા વોલવાર્ટના 90 રન, મૅરિઝેન કૅપ (Marizanne kapp)ના અણનમ 68 રન અને સુન લુસના 61 રનની મદદથી સાઉથ આફ્રિકા (South Africa)એ વરસાદ બાદ ઘટાડવામાં આવેલી 40 ઓવરમાં 9 વિકેટે 312 રન કર્યા હતા જે વર્લ્ડ કપમાં તેમનો હાઈએસ્ટ સ્કોર હતો.

ડક્વર્થ/લુઇસની વિચિત્ર પદ્ધતિ
સાઉથ આફ્રિકાની ઇનિંગ્સ પછી પણ મેઘરાજા અટક્યા નહોતા અને વારંવાર અડચણો આવ્યા બાદ છેવટે પાકિસ્તાન (Pakistan)ને ડક્વર્થ/લુઇસની વિચિત્ર મેથડ મુજબ જીતવા માટે 20 ઓવરમાં 234 રન કરવાનો નવો ટાર્ગેટ મળ્યો હતો અને 20 ઓવરમાં પાકિસ્તાનનો સ્કોર સાત વિકેટે માત્ર 83 રન હતો ત્યારે મૅચનો અંત આવી જતાં સાઉથ આફ્રિકાએ દોઢસો રનના તફાવતથી વિજય મેળવ્યો હતો. પાકિસ્તાનની સાતમાંથી સૌથી વધુ ત્રણ વિકેટ મેરિઝેન કૅપે લીધી હતી અને તે પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર જીતી હતી.
આજે ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે ટક્કર
ઇન્દોરમાં વર્લ્ડ કપમાં આજે (બપોરે 3.00 વાગ્યાથી) ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે ટક્કર છે. બેઉ ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી ગઈ છે, પરંતુ લીગ પૉઇન્ટ્સ ટેબલમાં સર્વોચ્ચ સ્થાને રહેવા તેમની વચ્ચે હરીફાઈ છે. સાઉથ આફ્રિકાની ટીમ પણ સેમિ ફાઇનલમાં પહોંચી ગઈ છે, જ્યારે બાંગ્લાદેશ અને પાકિસ્તાન સ્પર્ધાની બહાર ફેંકાઈ ગયા છે.
ભારતીય ટીમનું ભાવિ કેવું છે
ભારત પૉઇન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને છે, પણ ગુરુવારે ભારતે ન્યૂ ઝીલૅન્ડને અને રવિવારે બાંગ્લાદેશને હરાવવું ખૂબ જરૂરી છે. જોકે ન્યૂ ઝીલૅન્ડ અને શ્રીલંકાને પણ 29મી ઑક્ટોબરની સેમિ ફાઇનલમાં પહોંચવાનો મોકો છે.
આ પણ વાંચો…મહિલા વર્લ્ડ કપમાં બુધવારે ટોચની બે ટીમ વચ્ચે ટક્કર