‘બાપુ’ બેમિસાલઃ જાડેજા ક્રિકેટની દુનિયામાં એવો પહેલો ઑલરાઉન્ડર છે જેણે…

કોલકાતાઃ રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja) હાલમાં ટેસ્ટ-જગતના આઇસીસી રૅન્કિંગમાં નંબર-વન ઑલરાઉન્ડર (Allrounder) તો છે જ, શનિવારે તેણે એવી સિદ્ધિ હાંસલ કરી જે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ના ઇતિહાસમાં બીજો કોઈ પણ ખેલાડી નથી મેળવી શક્યા. જાડેજા ડબ્લ્યૂટીસીના સાત વર્ષના ઇતિહાસમાં કુલ 1,500 રન બનાવવા ઉપરાંત 150 વિકેટ લેનારો સૌથી પહેલો પ્લેયર બન્યો છે.
‘બાપુ’ અને જડ્ડુ’ તરીકે જાણીતો 36 વર્ષનો જાડેજા આઇપીએલમાં હવે ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) ટીમમાં નથી. તેને રાજસ્થાન રૉયલ્સે સીએસકે પાસેથી ટ્રેડિંગ વિન્ડોમાં મેળવી લીધો છે. પોતાના આ મનપસંદ લેટેસ્ટ ફેરફાર બાદ શનિવારે ઈડન ગાર્ડન્સમાં જાડેજા તેના બેસ્ટ ફૉર્મમાં હતો. તેણે પ્રથમ ટેસ્ટના બીજા દાવમાં 27 રનમાં ચાર વિકેટ લીધી હતી.

તેના આ પર્ફોર્મન્સને લીધે સાઉથ આફ્રિકાની ટીમ સેક્નડ ઇનિંગ્સમાં મોટી મુસીબતમાં મુકાઈ ગઈ હતી. ટેમ્બા બવુમાની ટીમે શનિવારના બીજા દિવસના અંત સુધીમાં બીજા દાવમાં સાત વિકેટે 93 રન કર્યા હતા અને આ પ્રવાસી ટીમ ભારતથી માત્ર 63 રન આગળ હતી અને એની ત્રણ જ વિકેટ પડવાની બાકી હતી.
જાડેજાએ જબરદસ્ત ટર્ન અપાવતી પિચ પર ટ્રિસ્ટેન સ્ટબ્સ (પાંચ રન)ને આઉટ કર્યો એ ડબ્લ્યૂટીસીમાં તેની 150મી વિકેટ હતી અને એ સાથે તેનું નામ ડબ્લ્યૂટીસીમાં સુવર્ણ અક્ષરે લખાયું હતું. તેણે આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં કુલ દોઢસો વિકેટ લેવા ઉપરાંત કુલ 2,532 રન પણ કર્યા છે.
જાડેજા ટી-20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્ત થઈ ચૂક્યો છે, પણ ટેસ્ટ અને વન-ડે ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખ્યું છે. ડબ્લ્યૂટીસીમાં ઇંગ્લૅન્ડનો જૉ રૂટ 6,080 રન સાથે તમામ બૅટ્સમેનોમાં મોખરે છે અને ઑસ્ટ્રેલિયાનો સ્પિનર નૅથન લાયન 219 વિકેટ સાથે નંબર-વન છે, પરંતુ ટોચના તમામ બોલર્સ અને બૅટ્સમેનોમાં જાડેજા (150 વિકેટ અને 2,532 રન)થી ચડિયાતો ઑલરાઉન્ડર કોઈ નથી.
આ પણ વાંચો…જાડેજાને હવે કૅપ્ટન નથી બનવું, પણ વર્લ્ડ કપ રમવો જ છે…



