સ્પોર્ટસ

ડબલ સુપર ઓવરના બે દિલધડક મુકાબલામાં સાઉથ આફ્રિકા જીત્યું

મુખ્ય મૅચમાં સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાનના 187-187 રન, પ્રથમ સુપર ઓવરમાં 17-17 રન અને પછી માર્કરમની ટીમે બીજી સુપર ઓવરમાં 23-19ના સ્કોરથી મેળવ્યો વિજય

અમદાવાદઃ અહીં ક્રિકેટ જગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમે બુધવારે ટી-20 વર્લ્ડ કપને એક જ મૅચમાં પહેલી બે સુપર ઓવરના જંગ આપ્યા જેમાં સાઉથ આફ્રિકા (south Africa)એ અફઘાનિસ્તાનને પરાજિત કરીને સુપર-એઇટ માટેનો દાવો મજબૂત કર્યો હતો, જ્યારે અફઘાનિસ્તાન (Afghanistan) માટે હવે આગળ વધવા માટેનો માર્ગ મુશ્કેલ થઈ ગયો છે.

અફઘાનિસ્તાને હવે બાકીની બન્ને લીગ મૅચ જીતવી જ પડશે અને એ ઉપરાંત ગ્રૂપ-ડીની અન્ય કેટલીક મૅચોના પરિણામ પોતાની તરફેણમાં આવે એવી પ્રાર્થના પણ કરવી પડશે.

અફઘાનિસ્તાનની હવે પછીની બે લીગ મૅચ અમેરિકા સામે (16મીએ) અને કૅનેડા સામે (19મીએ) રમાશે. બુધવારે અફઘાનિસ્તાન સામેની મૅચમાં સુપર ઓવર પહેલાંના મુખ્ય મુકાબલામાં 26 રનમાં ત્રણ વિકેટ લેનાર સાઉથ આફ્રિકાના પેસ બોલર લુન્ગી ઍન્ગિડીને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

આપણ વાચો: સુપર ઓવરના ડ્રામામાં શનાકાને રનઆઉટ કેમ નહોતો અપાયો?

બે સુપર ઓવરના ડબલ થ્રિલર

ટી-20 વર્લ્ડ કપમાં પહેલી વખત મૅચમાં બબ્બે સુપર ઓવરથી પરિણામ લાવવું પડ્યું. મુખ્ય મૅચમાં સાઉથ આફ્રિકાએ છ વિકેટે 187 રન કર્યા બાદ એના બોલર્સની નો-બૉલની ગરબડને કારણે રકાસ થઈ ગયો અને અફઘાનિસ્તાનની ટીમ 19.4 ઓવરમાં બરાબર 187 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી. મૅચ ટાઇ થતાં સુપર ઓવર રાખવામાં આવી હતી.

એ સુપર ઓવરમાં અફઘાનિસ્તાને વિના વિકેટે 17 રન કર્યા હતા જેના જવાબમાં સાઉથ આફ્રિકાએ પણ એક વિકેટે 17 રન બનાવ્યા હતા. આઇસીસીના નિયમ મુજબ પરિણામ લાવવા માટે ફરી સુપર ઓવર રાખવામાં આવી હતી.

સુપર ઓવર-ટૂમાં સાઉથ આફ્રિકાએ વિના વિકેટે 23 રન કર્યા અને એના જવાબમાં અફઘાનિસ્તાને 24 રનનો લક્ષ્યાંક મેળવવા જતાં જબરદસ્ત લડત આપી હતી. સાઉથ આફ્રિકન સ્પિનર કેશવ મહારાજના પ્રથમ બૉલમાં મોહમ્મદ નબી એકેય રન નહોતો કરી શક્યો. બીજા બૉલમાં નબી કૅચઆઉટ થઈ ગયો હતો.

આપણ વાચો: એશિયા કપની પ્રથમ સુપર ઓવરના થ્રિલરમાં ભારત જીત્યું…

અફઘાનિસ્તાને ચાર બૉલમાં જીતવા 24 રન કરવાના હતા અને ચાર સિક્સર જરૂરી હતી. ગુરબાઝે મહારાજના ઉપરાઉપરી ત્રણ બૉલમાં ત્રણ છગ્ગા ફટકારતાં છેલ્લા બૉલમાં અફઘાનને જીતવા વધુ એક સિક્સરની જરૂર હતી.

છઠ્ઠો બૉલ વાઇડ પડતાં જીતવા પાંચ રનની જરૂર હતી, પણ મહારાજના એ અંતિમ બૉલમાં ગુરબાઝ કૅચઆઉટ થઈ જતાં અફઘાનીઓના જોરદાર ફાઇટબૅકનો અંત આવ્યો હતો, તેમનો સ્કોર 2/19 રહ્યો હતો અને સાઉથ આફ્રિકાએ વિજય મેળવ્યો હતો.

મુખ્ય મૅચ કેવી રીતે ટાઇ થઈ?

મુખ્ય મૅચમાં સાઉથ આફ્રિકાને ક્વિન્ટન ડિકૉક (59 રન, 41 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર) અને રાયન રિકલ્ટન (61 રન, 28 બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર)ની જોડીએ 114 રનની ભાગીદારી સાથે 6/187નો પડકારરૂપ સ્કોર અપાવ્યો હતો.

મરઝાઇએ ત્રણ તથા કૅપ્ટન રાશિદ ખાને બે વિકેટ લીધી હતી. અફઘાનિસ્તાનને ઓપનર અને વિકેટકીપર રહમનુલ્લા ગુરબાઝે (84 રન, 42 બૉલ, સાત સિક્સર, ચાર ફોર) લડત અપાવી હતી અને આ ટીમ પણ 187 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. ઍન્ગિડીએ સૌથી વધુ ત્રણ વિકેટ તેમ જ બીજા ચાર બોલર્સે એક-એક વિકેટ લીધી હતી.

અફઘાનિસ્તાને 20મી ઓવરમાં જીતવા 13 રન કરવાના હતા, પણ એની એક જ વિકેટ બાકી હતી. રબાડાની એ ઓવરમાં નો બૉલ અને વાઇડના સિલસિલા વચ્ચે નૂર અહમદે ફટકાબાજી કરી હતી. જોકે ચોથા બૉલમાં તે આઉટ થયો ત્યારે કુલ સ્કોર (સાઉથ આફ્રિકા જેટલો જ) 187 રન હતો અને મૅચ ટાઇ થઈ હતી. ત્યાર બાદ સુપર ઓવરના ખેલ શરૂ થયા હતા જેમાં છેવટે સાઉથ આફ્રિકા મેદાન મારી ગયું હતું.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button