ઇન્ટરનેશનલસ્પોર્ટસ

ગયાનામાં 13 વર્ષે ફરી રમાઈ ટેસ્ટ, પહેલા દિવસે પડી 17 વિકેટ

શમાર જોસેફની પાંચ વિકેટના જવાબમાં મુલ્ડરના ચાર શિકાર

પ્રોવિડન્સ: વેસ્ટ ઈન્ડિઝના ગયાના ટાપુમાં 13 વર્ષ બાદ ફરી એકવાર ટેસ્ટ મૅચ રમાઈ રહી છે અને એમાં ગુરુવારે પહેલા જ દિવસે કુલ 17 વિકેટ પડી હતી.

ગયાના ટાપુના પ્રોવિડન્સના ગ્રાઉન્ડમાં છેલ્લે 2011માં ટેસ્ટ રમાઈ હતી જેમાં વેસ્ટ ઇન્ડિઝે પાકિસ્તાનને હરાવ્યું હતું.
ગુરુવારે સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે સિરીઝની બીજી અને છેલ્લી ટેસ્ટ શરૂ થઈ હતી. શ્રેણીની પહેલી ટેસ્ટ ડ્રો રહ્યા બાદ સ્વાભાવિક રીતે આ મૅચના પહેલા જ દિવસે જોરદાર રસાકસી થવાની સંભાવના હતી અને એવું જ થયું.

સાઉથ આફ્રિકાએ બૅટિંગ લીધા પછી ખરાબ શરૂઆત કરી હતી. પહેલી ત્રણ વિકેટ માત્ર 20 રનમાં પડી ગઈ હતી. પ્રવાસી ટીમનો આખો દાવ 160 રનમાં સમેટાઈ ગયો હતો. ફાસ્ટ બોલર શમાર જોસેફે 33 રનમાં પાંચ વિકેટ અને બીજા પેસ બોલર જેડન સીલ્ઝે 45 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. ટેમ્બા બવુમા ઘણા વખતે પાછો સાઉથ આફ્રિકાની ટીમમાં જોવા મળ્યો. જોકે કેપ્ટન બવુમા ઝીરોમાં આઉટ થઈ ગયો હતો. ઑલરાઉન્ડર ડેન પિટના અણનમ 38 રન ટીમમાં હાઈએસ્ટ હતા. બવુમા સહિત કુલ ચાર બૅટર ઝીરોમાં વિકેટ ગુમાવી બેઠા હતા.

જોકે પછીથી સાઉથ આફ્રિકાના બોલર્સે પણ વળતો જવાબ આપ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝે રમતના અંત સુધીમાં 97 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. 18 રનમાં ચાર વિકેટ પેસ બોલર વિઆન મુલ્ડરે અને 32 રનમાં બે વિકેટ નાન્ડ્રે બર્ગરે લીધી હતી. 50 રનની અંદર વિન્ડિઝની પાંચ વિકેટ પડી ગઈ હતી.

આ ટેસ્ટ લગભગ ત્રણ દિવસની અંદર પૂરી થઈ જવાની સંભાવના છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button