Top Newsસ્પોર્ટસ

એક ધારણા સાચી પડી, રિષભ પંતનું ટીમમાં કમબૅકઃ બીજું અનુમાન ખોટું પડ્યું, શમીની ફરી બાદબાકી…

સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ ટીમની જાહેરાતઃ ક્રિષ્નાના સ્થાને આકાશ દીપ

નવી દિલ્હીઃ આગામી 14મી નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સની મૅચ સાથે સાઉથ આફ્રિકા સામે શરૂ થનારી બે મૅચની ટેસ્ટ શ્રેણી (Test series) માટે ભારતની ટીમ બુધવારે જાહેર કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને વિકેટકીપર રિષભ પંત (Rishabh Pant) તથા પેસ બોલર આકાશ દીપ (Akash Deep)નો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે મોહમ્મદ શમીને ફરી અવગણવામાં આવ્યો છે.

26 વર્ષીય પંતને જુલાઈમાં ઇંગ્લૅન્ડ સામેની મૅન્ચેસ્ટરની ચોથી ટેસ્ટમાં પગમાં ફ્રૅક્ચર થયું હતું જેને પગલે તે વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં નહોતો રમી શક્યો. તેણે લગભગ સાડાત્રણ મહિને ટીમમાં કમબૅક કર્યું છે. તેણે તાજેતરમાં જ સાઉથ આફ્રિકા-એ સામેની મૅચમાં ઇન્ડિયા-એ ટીમનું સુકાન સંભાળ્યું હતું જેમાં તેણે 275 રનના ચેઝમાં 90 રનનું યોગદાન આપ્યું હતું. 15 ખેલાડીની ટીમમાં પંતનો સમાવેશ એન. જગદીશનના સ્થાને કરવામાં આવ્યો છે.

આકાશ દીપે ખભાની ઈજામાંથી મુક્ત થઈને ફરી ટેસ્ટ ટીમમાં પુનરાગમન કર્યું છે. તે તાજેતરમાં ઈરાની મૅચમાં તેમ જ રણજી મૅચમાં રમ્યો હતો. તેને પ્રસિદ્ધ ક્રિષ્નાના સ્થાને ટીમમાં આવવા મળ્યું છે. ભારતના પેસ આક્રમણના અન્ય બોલર્સમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજનો સમાવેશ છે. સ્પિન અટૅકમાં રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વૉશિંગ્ટન સુંદર સામેલ છે.

બે ટેસ્ટ ક્યારે, ક્યાં રમાશે

(1) પ્રથમ ટેસ્ટ, કોલકાતા, 14મી નવેમ્બરથી
(2) બીજી ટેસ્ટ, ગુવાહાટી, 22મી નવેમ્બરથી

ભારતની ટેસ્ટ ટીમ

શુભમન ગિલ (કૅપ્ટન), રિષભ પંત (વાઇસ કૅપ્ટન, વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, કે. એલ. રાહુલ, સાઇ સુદર્શન, દેવદત્ત પડિક્કલ, ધ્રુવ જુરેલ, રવીન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, નીતીશકુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને આકાશ દીપ.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button