ડબ્લ્યૂટીસી ફાઇનલઃ સાઉથ આફ્રિકાએ ફીલ્ડિંગ લીધી, ઑસ્ટ્રેલિયાએ આરંભમાં જ બે વિકેટ ગુમાવી

લૉર્ડ્સઃ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાએ અહીં સાઉથ આફ્રિકા સામેની વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં બૅટિંગ મળ્યા બાદ તરત જ બે વિકેટ ગુમાવી દીધી હતી. પહેલી વાર ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચેલા સાઉથ આફ્રિકા (SOUTH AFRICA)નો ફાસ્ટ બોલર કૅગિસો રબાડા ત્રાટક્યો હતો અને તેણે એક જ ઓવરમાં બન્ને વિકેટ લીધી હતી.
2023-2025ની ડબ્લ્યૂટીસી સીઝનની આ ફાઇનલમાં સાઉથ આફ્રિકાના કૅપ્ટન ટેમ્બા બવુમાએ ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધી હતી. ઑસ્ટ્રેલિયા (AUSTRALIA)એ પહેલી છ ઓવર તો હેમખેમ કાઢી હતી. એમાં વિના વિકેટે 12 રન થયા હતા, પણ સાતમી ઓવર જે રબાડા (RABADA)એ કરી હતી એના ત્રીજા બૉલમાં તેણે ઓપનર ઉસ્માન ખ્વાજા (0)ને પ્રથમ સ્લિપમાં ડેવિડ બેડિંગમના હાથમાં કૅચઆઉટ કરાવી દીધો હતો.
ઓપનિંગમાં ખ્વાજા સાથે માર્નસ લબુશેન બૅટિંગમાં આવ્યો હતો જેણે ધીમી, પરંતુ સાવચેતીભરી શરૂઆત કરી હતી. ખ્વાજાની વિકેટ પડતાં કૅમેરન ગ્રીન (જે 15 મહિને ફરી રમવા આવ્યો છે) વનડાઉન બૅટિંગમાં આવ્યો હતો, પરંતુ સાતમી જ ઓવરના અંતમાં રબાડાએ ઑફ સ્ટમ્પ પર બૉલમાં ગ્રીનને બીજી સ્લિપમાં એઇડન માર્કરમના હાથમાં કૅચઆઉટ કરાવીને ઑસ્ટ્રેલિયાની છાવણીમાં સોપો પાડી દીધો હતો. ગ્રીન અક્રોસ ધ લાઇન રમવા જતાં કૅચ આપી બેઠો હતો.
ગ્રીનની વિકેટ પડતાં પીઢ બૅટ્સમૅન સ્ટીવ સ્મિથ ચોથા નંબર પર આવ્યો હતો અને લબુશેન સાથે ટીમની ઇનિંગ્સને થોડી સ્થિરતા અપાવી હતી.
આ પણ વાંચો - WTC Final: 113 વર્ષ પછી લોર્ડ્સમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ટક્કર, કોણ રચાશે ઈતિહાસ?
બન્ને દેશની પ્લેઇંગ-ઇલેવનઃ
ઑસ્ટ્રેલિયાઃ પૅટ કમિન્સ (કૅપ્ટન), ઍલેક્સ કૅરી (વિકેટકીપર), ઉસ્માન ખ્વાજા, માર્નસ લબુશેન, કૅમેરન ગ્રીન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, બ્યૂ વેબ્સ્ટર, મિચલ સ્ટાર્ક, નૅથન લાયન અને જૉશ હૅઝલવૂડ.
સાઉથ આફ્રિકાઃ ટેમ્બા બવુમા (કૅપ્ટન), રાયન રિકલ્ટન (વિકેટકીપર), એઇડન માર્કરમ, વિઆન મુલ્ડર, ટ્રિસ્ટેન સ્ટબ્સ, ડેવિડ બેડિંગમ, કાઇલ વેરેની, માર્કો યેનસેન, કેશવ મહારાજ, કૅગિસો રબાડા અને લુન્ગી ઍન્ગિડી.