સાઉથ આફ્રિકાના બ્રીટઝકેએ કાઉન્ટી ટીમ પરથી પ્રેરણા લઈને સિદ્ધુનો વિશ્વવિક્રમ તોડ્યો

સાઉધમ્પ્ટ્ન: સાઉથ આફ્રિકાનો નવો ઓપનર મૅથ્યૂ બ્રીટઝકે ફેબ્રુઆરીમાં કરીઅરની પહેલી જ વન-ડે ઇન્ટરનેશનલમાં (ન્યૂ ઝીલેન્ડ સામે) સૌથી વધુ 150 રન કરીને વર્લ્ડ રેકૉર્ડ રચવા છતાં સાઉથ આફ્રિકા (south africa)ને જીતતું નહોતો જોઈ શક્યો, પરંતુ અહીં ઇંગ્લૅન્ડના પ્રવાસમાં તે કારકિર્દીની પહેલી પાંચ વન-ડેમાં 50-પ્લસ સ્કોરના અનોખા વિશ્વવિક્રમ સાથે સાઉથ આફ્રિકાને સિરીઝમાં (2-1થી) વિજય મેળવતું જોઈ શક્યો છે. બ્રીટઝકે (Breetzke)એ કારકિર્દીની પહેલી પાંચ વન-ડેમાં 50-પ્લસ સ્કોરના વિશ્વવિક્રમની સિદ્ધિ માટેનો શ્રેય ઇંગ્લૅન્ડની નોર્ધમ્પ્ટ્નશર કાઉન્ટી ક્લબને આપ્યો છે.
રવિ બોપારાની ઇનિંગ્સથી પ્રભાવિત
બ્રીટઝકે ટી-20 બ્લાસ્ટ નામની ટૂર્નામેન્ટની છેલ્લી બે સીઝન રમ્યો છે જેમાં તેણે નોર્ધમપ્ટ્નશર વતી કુલ 863 રન કર્યા છે. ત્રીજી સપ્ટેમ્બરે બ્રીટઝકે નોર્ધમપ્ટ્નશરની સરે સામેની મૅચમાં નહોતો રમી શક્યો, પરંતુ એ મૅચમાં નોર્ધમ્પ્ટનશરે રવિ બોપારાની સેન્ચુરી (અણનમ 105, 46 બૉલ, પાંચ સિક્સર, બાર ફોર)ની મદદથી જે રીતે વિજય મેળવ્યો એના પરથી (ટીવી પર એ મૅચ જોઈને) તેણે ચોથી સપ્ટેમ્બરે ઇંગ્લૅન્ડ સામે સિરીઝની બીજી મૅચમાં લાંબી ઇનિંગ્સ રમીને સતત પાંચમા ફિફટી-પ્લસ સ્કોરનો નવો વર્લ્ડ રેકૉર્ડ રચવા પ્રેરણા લીધી હતી. બ્રીટઝકે એ મૅચમાં 85 રન કરીને સિદ્ધુનો સતત ચાર હાફ સેન્ચુરીનો રેકૉર્ડ તોડ્યો હતો.
આપણ વાંચો: સાઉથ આફ્રિકા 27 વર્ષે ઇંગ્લૅન્ડમાં વન-ડે સિરીઝ જીત્યું
બ્રીટઝકેના પહેલી પાંચ વન-ડેના સ્કોર:
26 વર્ષની ઉંમરના રાઈટ-હૅન્ડ બૅટ્સમૅન અને વિકેટકીપર બ્રીટઝકેએ ફેબ્રુઆરી 2025માં વન-ડે ઇન્ટરનેશનલ (ઓડીઆઇ)માં ડેબ્યૂ કર્યું અને પહેલી પાંચ વન-ડેમાં તેના સ્કોર આ મુજબ રહ્યા: 150, 83, 57, 88 અને 85 રન. રવિવારે કરીઅરની છઠ્ઠી વન-ડેમાં (ઇંગ્લૅન્ડ સામે) તે ફક્ત ચાર રન કરીને આઉટ થઈ ગયો હતો. ઇંગ્લૅન્ડે આ મૅચ 342 રનના વિક્રમજનક માર્જિનથી જીતી લીધી હતી.
સિદ્ધુનો ચાર ફિફટીનો વિક્રમ તોડ્યો
બ્રીટઝકેએ કરીઅરની પહેલી સતત પાંચ વન-ડેના 50-પ્લસ સ્કોર સાથે નવજોત સિદ્ધુનો લાગલગાટ ચાર ફિફટી-પ્લસનો 38 વર્ષ જૂનો વિશ્વવિક્રમ તોડી નાખ્યો છે. સિદ્ધુએ 1987ના વન-ડે વર્લ્ડ કપમાં સતત ચાર મૅચમાં હાફ સેન્ચુરી ફટકારી હતી: ઑસ્ટ્રેલિયા સામે 73 રન, ન્યૂ ઝીલૅન્ડ સામે 75 રન, ઑસ્ટ્રેલિયા સામે 51 રન, ઝિમ્બાબ્વે સામે 55 રન.