T20 World Cup 2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

SA vs AFG Highlights: સાઉથ આફ્રિકા વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલી વખત ફાઇનલમાં

ખરાબ પિચ પર અફઘાનિસ્તાનનું 56 રનમાં પીંડલું વાળ્યા પછી નવ વિકેટે જીત્યું

ટારૌબા (ટ્રિનિદાદ): સાઉથ આફ્રિકાએ અહીંના બ્રાયન લારા સ્ટેડિયમની ઊતરતી કક્ષાની પિચ પર અફઘાનિસ્તાનને ટી-20 વર્લ્ડ કપના વન-સાઇડેડ સેમિ ફાઇનલ મુકાબલામાં 9 વિકેટે હરાવીને વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલી જ વાર ફાઈનલમાં પ્રવેશ કરીને ‘ચોકર્સ’ તરીકેની વર્ષો જૂની છાપને દૂર કરી હતી. હવે એઇડન માર્કરમની ટીમ ઐતિહાસિક ટ્રોફીથી ફક્ત એક ડગલું દૂર છે. આજે રાત્રે ભારત અને ઇંગ્લૅન્ડમાંથી જે ટીમ જીતશે એની સામે સાઉથ આફ્રિકા શનિવાર, 29મી જૂને ફાઈનલમાં રમશે.

અફઘાનિસ્તાન પહેલી વાર સાઉથ આફ્રિકાને હરાવવામાં ફરી નિષ્ફ્ળ રહ્યું. અફઘાનિસ્તાને ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી, પરંતુ રાશિદ ખાનની ટીમ સબ-સ્ટૅન્ડર્ડ પિચ પર માત્ર 11.5 ઓવરમાં ફક્ત 56 રનમાં આઉટ થઈ ગઈ હતી. સાઉથ આફ્રિકાએ 8.5 ઓવરમાં માત્ર એક વિકેટના ભોગે 60 રન બનાવીને યાદગાર વિજય મેળવ્યો હતો. કવિન્ટન ડિકૉકે (5 રન) બીજી જ ઓવરમાં ફઝલહક ફારુકીના બૉલમાં વિકેટ ગુમાવી ત્યાર બાદ કેપ્ટન એઇડન માર્કરમ (23 અણનમ, 21 બૉલ, ચાર ફોર)એ ધબડકો અટકાવ્યો હતો.

ત્રીજી ઓવરમાં નવીન ઉલ હકના એક બૉલમાં માર્કરમના બૅટની કટ લાગ્યા બાદ વિકેટકીપર રહમનુલ્લા ગુરબાઝે કૅચ પકડ્યો હતો, પરંતુ બૅટની કટ લાગી હોવાનો અવાજ ન સંભળાતા ગુરબાઝ સહિત કોઈએ ડીઆરએસ નહોતું લીધું. પછીથી રિપ્લેમાં સ્પષ્ટ થયું કે માર્કરમના બૅટની કટ લાગી હતી અને જો ડીઆરએસ લેવાયું હોત તો માર્કરમને આઉટ અપાયો હોત.
માર્કરમની સાથે ઓપનર રીઝા હેન્ડ્રિક્સ (29 અણનમ, 25 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) છેક સુધી ક્રીઝ પર રહ્યો હતો.
અગાઉની કેટલીક ટૂર્નામેન્ટોમાં સેમિ જીતીને ફાઈનલમાં પહોંચવામાં નિષ્ફ્ળ રહ્યા બાદ અને આ વખતે નેપાળ સામે માત્ર એક રનથી જીતવા સહિત અનેક સંઘર્ષપૂર્ણ મૅચ જીતીને અપરાજિત રહીને સાઉથ આફ્રિકાએ છેવટે ફાઈનલમાં ઐતિહાસિક એન્ટ્રી કરી છે.

https://twitter.com/ProteasMenCSA/status/1806159361158365408

ટ્રિનિદાદની પિચ અસમથળ હતી. બૉલમાં નિશ્ચિત ઉછાળ નહોતા મળતા અને બૅટર્સે પણ ક્યારેક બૉલ નીચો રહેતાં તો ક્યારેક અનિશ્ચિત બાઉન્સને કારણે વિકેટ ગુમાવી દીધી હતી. પિચમાં અનેક તિરાડો હતી. આ પિચ પર સ્પિનર્સ કરતાં પેસ બોલર્સને વધુ મદદ મળી હતી. ખરાબ પિચને લીધે અનેક ડૉટ-બૉલ પડ્યા હતા.

આ પિચ ઇન્ટરનેશનલ મૅચ અને એમાં પણ વર્લ્ડ કપ મૅચને લાયક હતી જ નહીં. અફઘાનિસ્તાનની ટીમે અસમથળ પિચ પર સારા ફૂટવર્કના અભાવે પહેલી પાંચ ઓવરમાં ફક્ત 23 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ફાસ્ટ બોલર માર્કો યેન્સન (3-0-16-3) મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. સ્પિનર તબ્રેઝ શમ્ઝીએ પણ ત્રણ તેમ જ પેસ બોલર્સ રબાડા અને નૉકિયાએ બે-બે વિકેટ લીધી હતી. જોકે પિચ બન્ને ટીમ માટે એક્સરખી હતી અને એના પર સાઉથ આફ્રિકાની ટીમ મેદાન મારી ગઈ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button