સાઉથ આફ્રિકા પહેલી વખત મહિલા વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં

ગુવાહાટીઃ લૉરા વૉલ્વાર્ટ (169 રન, 143 બૉલ, 184 મિનિટ, ચાર સિક્સર, વીસ ફોર)ના સુકાનમાં સાઉથ આફ્રિકા (south Africa)એ બુધવારે પહેલી જ વખત મહિલા વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કરીને ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી. મેન્સ ટેસ્ટ ક્રિકેટમાં ટેમ્બા બવુમાના સુકાનમાં સાઉથ આફ્રિકા તાજેતરમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું અને હવે મહિલા ટીમને વન-ડેની સર્વોચ્ચ બનવાની સોનેરી તક મળી છે.
ગુવાહાટીમાં ઇંગ્લૅન્ડને પ્રથમ સેમિ ફાઇનલમાં વરસાદ તો ન નડ્યો, પણ આખી સાઉથ આફ્રિકાની ટીમ નડી ગઈ હતી. ઇંગ્લૅન્ડની ટીમ 320 રનના તોતિંગ લક્ષ્યાંક સામે માત્ર 194 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી અને સાઉથ આફ્રિકાએ 125 રનથી વિજય મેળવ્યો હતો.
સાઉથ આફ્રિકન પેસ બોલર મૅરિઝેન કેપે સૌથી વધુ પાંચ વિકેટ તથા નેડિન ડિ ક્લર્કે બે વિકેટ લીધી હતી. ટોચની ત્રણેય બ્રિટિશ પ્લેયર સહિત કુલ ચાર પ્લેયર ઝીરોમાં આઉટ થઈ હતી. એક રનમાં તેમણે પહેલી ત્રણ વિકેટ ગુમાવી હતી. કૅપ્ટન નૅટ સિવરના 64 રન પાણીમાં ગયા હતા.
આપણ વાચો: મહિલા વન-ડે વર્લ્ડ કપની ટિકિટનો ભાવ માત્ર આટલા રૂપિયા, આ સેલિબ્રિટી ઓપનિંગમાં પર્ફોર્મ કરશે

એ પહેલાં, સાઉથ આફ્રિકાએ બૅટિંગ મળ્યા પછી ધમાકેદાર પર્ફોર્મન્સ સાથે 50 ઓવરમાં સાત વિકેટે 319 રન કર્યા હતા. ઇંગ્લૅન્ડ (England)ની લેફ્ટ-આર્મ સ્પિનર સૉફી એકલ્સ્ટને સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.
આ ટૂર્નામેન્ટની લીગ મૅચમાં ઇંગ્લૅન્ડે 10 વિકેટે વિજય મેળવ્યો હતો એટલે બુધવારે સાઉથ આફ્રિકાને એ હારનો બદલો લેવાની તક છે. બીજી સેમિ ફાઇનલ આજે નવી મુંબઈમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે (બપોરે 3.00 વાગ્યાથી) રમાશે.

ગુરુવારે ભારત વિરુદ્ધ ઑસ્ટ્રેલિયા
નવી મુંબઈમાં મહિલા વર્લ્ડ કપની બીજી સેમિ ફાઇનલ ગુરુવારે (બપોરે 3.00 વાગ્યાથી) ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. ઑસ્ટ્રેલિયાની મહિલા ટીમ વન-ડે વર્લ્ડ કપમાં છેલ્લી તમામ 15 મૅચ જીતી છે. હરમનપ્રીત કૌરની ટીમને આ સેમિ જીતીને ત્રીજી વખત ફાઇનલમાં પહોંચીને પહેલી વાર વર્લ્ડ કપ જીતવાનો સુવર્ણ મોકો છે.
 
 
 
 


