સ્પોર્ટસ

સાઉથ આફ્રિકાએ રચ્યો ઇતિહાસ, ટેસ્ટમાં બન્યું ચૅમ્પિયનઃ `ચૉકર્સ’ની દાયકાઓ જૂની છાપ ભૂંસી નાખી

એઇડન માર્કરમ લૉર્ડ્સના ટેસ્ટના વર્લ્ડ કપનો `લૉર્ડ': ઑસ્ટ્રેલિયા ટાઇટલ ન જાળવી શક્યું

લંડનઃ સાઉથ આફ્રિકાએ આજે અહીં લૉર્ડ્સમાં નવો ઇતિહાસ સરજ્યો હતો. ઑસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં ટેમ્બા બવુમાની ટીમે વિજય મેળવીને સાઉથ આફ્રિકાને પ્રથમ વાર ક્રિકેટ જગતની મોટી અને અમૂલ્ય ટ્રોફી અપાવી છે. સાઉથ આફ્રિકાએ 282 રનનો લક્ષ્યાંક શનિવારના ચોથા દિવસે ફક્ત પાંચ વિકેટના ભોગે (282/5) મેળવી લીધો હતો. ઓપનર એઇડન માર્કરમ (136 રન, 207 બૉલ, 14 ફોર) આ ઐતિહાસિક જીતનો સુપર હીરો હતો. સાઉથ આફ્રિકાની જ નહીં, સમગ્ર ક્રિકેટ વિશ્વની જનતા તેને લૉર્ડ્સના લૉર્ડ’ તરીકે ઓળખશે, કારણકે તેણે સાઉથ આફ્રિકાને દાયકાઓથી નડી રહેલીચૉકર્સ’ની છાપ દૂર કરાવી આપી છે.

1990ના દાયકામાં રંગભેદની નીતિ ત્યજીને ફરી ક્રિકેટ જગતમાં પ્રવેશેલા સાઉથ આફ્રિકાના ક્રિકેટ ઇતિહાસમાં બવુમાની ટીમનું અને ખાસ કરીને માર્કરમનું નામ સુવર્ણ અક્ષરે લખાશે. આઇસીસીના ચૅરમૅન જય શાહ તેમ જ ક્રિકેટ વર્લ્ડના બીજા અનેક મહાનુભાવો આ અવસરે લૉર્ડ્સમાં હાજર હતા. સાઉથ આફ્રિકાના ખેલાડીઓની પત્ની-ગર્લફ્રેન્ડ તેમ જ પરિવારજનો પણ બેહદ ખુશ હતા.

આ પણ વાંચો: ડબ્લ્યૂટીસી ફાઇનલઃ સાઉથ આફ્રિકા પહેલી વાર ચૅમ્પિયન બનવાની તૈયારીમાં…

સાઉથ આફ્રિકા આ પહેલાં ફક્ત એક ટ્રોફી જીત્યું હતું. 1998માં એ ટ્રોફી વિલ્સ ઇન્ટરનૅશનલ કપની હતી. ત્યાર પછી ટૂર્નામેન્ટોની સેમિ ફાઇનલ કે ફાઇનલમાં પહોંચીને પણ છેવટે હારી બેસતા સાઉથ આફ્રિકા હવે 27 વર્ષે મોટી ટ્રોફી જીતીને `ચૉકર્સમાંથી વિનર્સ’ બની ગયું છે.

જે કામ ભારત બે વખત (2021માં, 2023માં) ડબ્લ્યૂટીસીની ફાઇનલમાં પહોંચ્યા પછી ન કરી શક્યું એ કામ સાઉથ આફ્રિકાએ એક જ વખત (2025માં) ફાઇનલમાં પહોંચીને કરી દેખાડ્યું છે.

સાઉથ આફ્રિકાને આ સન્માન અપાવવામાં અશ્વેત કૅપ્ટન ટેમ્બા બવુમા (66 રન, 134 બૉલ, પાંચ ફોર)નું પણ બહુમૂલ્ય યોગદાન છે. તેણે ત્રીજી વિકેટ માટે માર્કરમ સાથે 147 રનની અમૂલ્ય ભાગીદારી કરી હતી. મૅચને અંતે સાઉથ આફ્રિકાનો ડેવિડ બેડિંગમ (21 અણનમ, 49 બૉલ, એક ફોર) અણનમ રહ્યો હતો. તેની સાથે વિકેટકીપર કાઇલ વેરેની (ચાર રન, 13 બૉલ) પણ અણનમ હતો. ઑસ્ટ્રેલિયા વતી મિચલ સ્ટાર્કે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: કૅપ્ટન કમિન્સે સુકાની બવુમાની વિકેટ લીધી, સાઉથ આફ્રિકાની સ્થિતિ થોડી નાજુક…

શનિવારે ચોથા દિવસે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પૅટ કમિન્સે હરીફ ટીમ સાઉથ આફ્રિકાના સુકાની ટેમ્બા બવુમા (66 રન, 134 બૉલ, પાંચ ફોર)ને આઉટ કરીને તેની લાંબી લડતનો અંત લાવી દીધો હતો. કમિન્સે કલાકે 84 માઇલની ઝડપવાળો બૉલ ઑફ સ્ટમ્પની બહાર ફેંક્યો હતો અને એમાં બવુમાના બૅટની હળવી કટ લાગી જતાં વિકેટકીપર ઍલેક્સ કૅરીએ સુંદર કૅચ ઝીલી લીધો હતો.

https://twitter.com/kritiitweets/status/1933854434154701273

બવુમાની વિકેટ વખતે સાઉથ આફ્રિકાનો સ્કોર 217 રન હતો અને તેની ટીમે જીતવા માટે બીજા 65 રન કરવાના બાકી હતા. ત્યારે સાઉથ આફ્રિકાની સ્થિતિ નાજુક થઈ હતી, પણ છેવટે તેઓ જીતીને જ રહ્યા.

ઑસ્ટ્રેલિયા આ ફાઇનલ જીતીને ટેસ્ટના આ વર્લ્ડ કપની ટ્રોફી જાળવી રાખનાર પ્રથમ દેશ બનવાનો હતો, પરંતુ સાઉથ આફ્રિકાને ઐતિહાસિક ટાઇટલ જીતીને એનું સપનું ચકનાચૂર કરી નાખ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button