ગાંગુલીની પુત્રીની કાર સાથે બસ અથડાઇ, કાર-ડ્રાઇવરે જ પીછો કરીને બસ-ડ્રાઇવરને પકડી લીધો
સના ગાંગુલીની શૈક્ષણિક અને વ્યાવસાયિક કારકિર્દી રસપ્રદ છે
કોલકાતાઃ ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીની પુત્રી સના ગાંગુલી જે કારમાં જઈ રહી હતી એ કાર સાથે બસ અથડાતાં નજીવો અકસ્માત થયો હતો, પરંતુ સદનસીબે કોઈને પણ ઈજા નહોતી થઈ.
આ ઘટના શુક્રવારે સાંજે 6.30 વાગ્યે ગાંગુલીના નિવાસસ્થાનથી 200 મીટર દૂર બેહાલા ચોરસ્તા ક્રોસિંગ પાસે બની હતી અને સના ત્યારે કારમાં ડ્રાઇવરની બાજુમાં બેઠી હતી. રાઇચક-કોલકાતા રૂટ પર આ બસ સનાની કારની બારીના કાચ સાથે ટકરાઈ હતી. અકસ્માત બાદ તરત જ બસનો ડ્રાઇવર બસ દોડાવી ગયો હતો. જોકે સના ગાંગુલીના ડ્રાઇવરે જ કાર દોડાવીને બસનો પીછો કર્યો હતો. લગભગ એક કિલોમીટર દૂર સાખેરબઝાર ક્રોસિંગ પાસે બસને આંતરીને રોકી લીધી હતી. સનાએ ફોન કરીને પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસે તરત ત્યાં પહોંચી જઈને બસના ડ્રાઇવરને અટકમાં લીધો હતો. સનાની કારને થોડું નુકસાન થયું હતું.
Also read: કોલકાતા રેપ-મર્ડર કેસ પર આ શું બોલી ગયા સૌરવ ગાંગુલી કે મચ્યો હોબાળો….!
કોલકાતામાં ચોરસ્તા એ વિસ્તાર છે જ્યાં દોઢ વર્ષ પહેલાં એક ટીનેજ વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું અને ત્યારથી આ રસ્તા પર પોલીસનો પાક્કો બંદોબસ્ત રહેતો હોય છે. સનાની કારનો અકસ્માત થયો ત્યારે ત્યાં પોલીસ હાજર હતી એટલે જ બસનો પીછો થઈ શક્યો અને ડ્રાઇવરને પકડી શકાયો હતો. સના 23 વર્ષની છે. સૌરવ ગાંગુલી અને તેની પત્ની તથા જાણીતી ઓડિશી ડાન્સર ડોના ગાંગુલીની તે એકમાત્ર સંતાન છે. સનાએ શૈક્ષણિક સફર કોલકાતાના લૉરેટો હાઉસમાં શરૂ કરી હતી અને તે ઇકોનોમિક્સની ડિગ્રી ધરાવે છે જે તેણે યુનિવર્સિટી કૉલેજ લંડનમાંથી મેળવી છે. હાલમાં તે લંડન-સ્થિત ઇનોવર્વ નામની બુટિક ક્નસલ્ટિંગ કંપની સાથે ક્નસલ્ટન્ટ તરીકે સંકળાયેલી છે. તે પ્રાઇસવૉટરહાઉસકૂપર્સ નામની વિશ્વની બીજા નંબરની પ્રોફેશનલ સર્વિસીઝ નેટવર્ક સંબંધિત કંપનીમાં ઇન્ટર્નશિપ કરી ચૂકી છે. એ ઉપરાંત, તે ડેલોઇટ નામની આવી જ બીજી વિખ્યાત કંપનીમાં પણ ઇન્ટર્ન રહી ચૂકી છે.
તાજેતરમાં કોલકાતાની આરજી કર મેડિકલ કૉલેજ-હૉસ્પિટલમાં જુનિયર ડૉક્ટર પરના બળાત્કાર અને હત્યાનો જે આઘાતજનક કિસ્સો બની ગયો એ સામેના વિરોધમાં ત્યારે સનાએ સૌરવ-ડોના સાથે મળીને કૅન્ડલલાઇટ અભિયાનમાં ભાગ લીધો હતો. 2019માં સના ગાંગુલીએ નાગરિક સુધારા ધારાનો વિરોધ દર્શાવતો સંદેશ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. જોકે પછીથી સૌરવ ગાંગુલીએ એ પોસ્ટ વિશે જણાવ્યું હતું કે `એ પોસ્ટ સાચી નથી અને તેને (સનાને) આવા બધા મુદ્દાથી દૂર રાખો એવી બધાને મારી નમ્ર વિનંતી છે.’